આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વનડે શ્રેણીનો બીજો મેચ ઢાકા ખાતે રમાયો હતો જેમાં ભારતને પાંચ રનથી હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ બાંગ્લાદેશે બીજો મેચ જીતી શ્રેણી પોતાના નામે કરી લીધી છે. કેપ્ટન રોહિત શર્મા ઇજાગ્રસ્ત હોવા છતાં તેણે ભારતને સન્માનજનક સ્કોર ઉપર પહોચાડ્યું હતું. જો કે ભારતને તેઓ જીતાડી શક્યા ન હતા.
બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા મહેદીની સદી થકી 271 રન માર્યા
આજે ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી બીજી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 271 રન બનાવ્યા હતા. મેહદી હસન મિરાજે 83 બોલમાં 100 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય મહમુદુલ્લાહે 77 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 266 રન બનાવી શકી હતી.
ટીમ ઈન્ડિયા સતત બીજી વખત બાંગ્લાદેશમાં સિરીઝ હારી છે
આ હાર ટીમ ઈન્ડિયા માટે કલંકરૂપ છે કારણ કે આ સતત બીજી વખત છે જ્યારે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશમાં વનડે સીરીઝ હારી છે. અગાઉ વર્ષ 2015માં ટીમ ઈન્ડિયા 3 મેચની દ્વિપક્ષીય શ્રેણી રમવા બાંગ્લાદેશ પહોંચી હતી, જ્યાં બાંગ્લાદેશે તેમને 2-1થી હરાવ્યું હતું. આ સિવાય ભારતે બાંગ્લાદેશમાં બે વનડે શ્રેણી પણ જીતી છે.