સ્પોર્ટસ

IND vs BAN: ઢાકા ટેસ્ટ રોમાંચક બની, 145 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 45 રનમાં ચાર વિકેટ ગુમાવી

Text To Speech

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઢાકામાં રમાઈ રહેલી બીજી ટેસ્ટનો ત્રીજો દિવસ ઘણો રોમાંચક રહ્યો હતો. ભારતીય ટીમને મેચ જીતવા માટે 145 રનનો ટાર્ગેટ મળ્યો છે જેના જવાબમાં તેણે દિવસની રમત પૂરી થવા સુધી ચાર વિકેટના નુકસાન પર 45 રન બનાવી લીધા છે. ભારત તરફથી અક્ષર પટેલ (26*) અને જયદેવ ઉનડકટ (3*) ક્રિઝ પર છે. આવો જાણીએ કે કેવી રહી ત્રીજા દિવસની રમત.

બાંગ્લાદેશે પહેલા સેશનમાં જ ચાર વિકેટ ગુમાવી દીધી હતી

બાંગ્લાદેશની ટીમ જ્યારે બીજી ઇનિંગ રમવા આવી ત્યારે તેણે પહેલા સેશનમાં જ પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. બીજા દિવસે કોઈ પણ નુકશાન વિના સાત રન બનાવનારી બાંગ્લાદેશી ટીમને નજમુલ હસન શાંતો, મોમિનુલ હક, શાકિબ અલ હસન અને મુશફિકુર રહીમના રૂપમાં ચાર આંચકાઓનો સામનો કરવો પડ્યો હતો. ઓપનર બેટ્સમેન ઝાકિર હસને મેદાન પર એકલા ઊભા રહીને 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જો કે તે પણ કુલ 102 રને પેવેલિયન પરત ફર્યો હતો. બાંગ્લાદેશે 113ના સ્કોર પર છઠ્ઠી વિકેટ પણ ગુમાવી દીધી હતી.

લિટન દાસે પણ એક છેડે બેટિંગ કરી

લિટન દાસે પણ એક છેડે બેટિંગ કરી અને નુરુલ હસન સાથે 46 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી. નુરુલે 29 બોલમાં 31 રનની ઝડપી ઇનિંગ રમી હતી. આ પછી લિટને તસ્કીન અહેમદ સાથે આઠમી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી, જેના કારણે બાંગ્લાદેશે લડાયક સ્કોર બનાવ્યો. લિટને 73 રનની લડાયક ઇનિંગ રમી અને પછી મોહમ્મદ સિરાજના હાથે ક્લીન બોલ્ડ થયો. તસ્કીન 31 રન બનાવીને અંત સુધી અણનમ રહ્યો હતો. ભારત તરફથી અક્ષર પટેલે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.

ભારતના ચાર સ્ટાર બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા

145 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે ત્રીજી ઓવરમાં જ કેએલ રાહુલની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી 12ના સ્કોર પર ચેતેશ્વર પૂજારા અને 29ના સ્કોર પર શુભમન ગિલ પણ પેવેલિયન પરત ફર્યા હતા. પ્રથમ ત્રણ બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. વિરાટ કોહલી પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો, મેહંદી હસન મિરાજને ત્રણ અને શાકિબ અલ હસને એક વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશી સ્પિનરોએ 23 માંથી 22 ઓવર નાખી.

આ પણ વાંચો : IPLના આ પાંચ મોટા ખેલાડીઓ જે અન શોલ્ડ રહ્યા, જાણો શું હતુ કારણ

Back to top button