IND vs AUS: ત્રીજી ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમમાં વધુ એક ફેરફાર, સ્ટાર ઓલરાઉન્ડર ટીમની બહાર
એશ્ટન અગર વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવા માટે ભારતના પ્રવાસ પરથી સ્વદેશ પરત ફરી રહ્યો છે. ઇન્દોરમાં 1 માર્ચથી શરૂ થનારી ત્રીજી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ પહેલા, અગરના સ્થાને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં કોઈને સામેલ કરવામાં આવ્યા નથી. ઓસ્ટ્રેલિયા ચાર મેચોની શ્રેણીમાં 2-0થી પાછળ છે. જોશ હેઝલવુડ અને ડેવિડ વોર્નર ઈજાના કારણે ઘરે પરત ફરી ચૂક્યા છે. જો કે, અગર સંપૂર્ણપણે ફિટ છે અને આગામી 2 માર્ચે શેફિલ્ડ શિલ્ડ મેચ અને 8 માર્ચે 50-ઓવરના માર્શ કપની ફાઇનલમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે.
મિશેલ સ્વેપ્સન પોતાના પહેલા બાળકના જન્મ માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો અને હવે ભારત પરત ફરશે. પેટ કમિન્સ પણ પારિવારિક કારણોસર ઓસ્ટ્રેલિયામાં છે, પરંતુ તે પણ ત્રીજી ટેસ્ટ પહેલા ભારત પરત ફરે તેવી શક્યતા છે. ઓસ્ટ્રેલિયાએ વોર્નરના સ્થાને અન્ય બેટ્સમેનને સામેલ કર્યા નથી કારણ કે કેમેરોન ગ્રીન ત્રીજી ટેસ્ટ માટે ફિટ થવાની ખાતરી છે.
અગરે તેની છેલ્લી ટેસ્ટ સિડનીમાં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. તે નાથન લિયોન સાથે બીજા સ્પિનર તરીકે ટીમનો ભાગ હતો. જોકે, તેને ભારતમાં કોઈ મેચ રમવાની તક મળી નથી. તેના સ્થાને ઓસ્ટ્રેલિયાએ ઓફ સ્પિનર ટોડ મર્ફી અને કુહનેમેને ડેબ્યૂ કર્યું હતું. ઓસ્ટ્રેલિયન ટીમ નાગપુરમાં બે અને દિલ્હીમાં ત્રણ સ્પિન બોલરો સાથે રમી હતી, પરંતુ અગર બંને મેચમાં ટીમમાંથી બહાર રહ્યો હતો.
ઓસ્ટ્રેલિયન પસંદગીકાર ટોની ડોડેમાઇડે કહ્યું કે અગરને એટલા માટે પસંદ કરવામાં આવ્યો નથી કારણ કે ટેસ્ટ ક્રિકેટમાં તેની બોલિંગ ખાસ નથી. ડોડેમાઇડ અને એગર ટીમ હોટલમાં મળ્યા અને એગર ઘરે જશે તેવું નક્કી થયું. તે માર્ચમાં ODI ટીમ સાથે ભારત પરત ફરે તેવી અપેક્ષા છે, જ્યાં તે વર્ષના અંતમાં ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાની યોજનાઓમાં મુખ્ય ખેલાડી છે.