

ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં ભારતીય ટીમે જીત સાથે શરૂઆત કરી હતી. પ્રથમ મેચ મુંબઈમાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમનો 5 વિકેટે વિજય થયો હતો. મેચનો હીરો કેએલ રાહુલ રહ્યો હતો. જેણે મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની કારકિર્દીની 13મી ફિફ્ટી બનાવી અને ટીમને જીત અપાવી હતી.
ટોસ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ બેટિંગમાં 188 રન કર્યા
મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 35.4 ઓવરમાં 188 રનમાં સમેટાઈ ગઈ હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીએ 3-3 વિકેટ લીધી હતી. આ પછી ભારતીય ટીમે 39.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 191 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
રાહુલ અને જાડેજાની જોડીએ જમાવટ કરી
ભારતીય ટીમે એક સમયે 39 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ભારતીય ઓપનર કેએલ રાહુલે 91 બોલમાં 75 રનની મેચ વિનિંગ અણનમ ઇનિંગ રમીને જીત મેળવી હતી. તેમને રવિન્દ્ર જાડેજાએ ટેકો આપ્યો હતો. જાડેજાએ 69 બોલમાં 45 રનની શાનદાર અણનમ ઇનિંગ રમી હતી. રાહુલ અને જાડેજાએ છઠ્ઠી વિકેટ માટે 123 બોલમાં 108 રનની અણનમ ભાગીદારી કરી હતી. આ પહેલા ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને તેના ઘરે 4 ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું. હવે વનડે શ્રેણીની પ્રથમ મેચમાં કારમી હાર આપી છે.