ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

IND vs AUS: મેલબોર્ન ટેસ્ટમાં પિચને લઈ ઑસ્ટ્રેલિયાએ શરૂ કરી માઈન્ડ ગેમ

મેલબોર્ન, તા. 24 ડિસેમ્બર, 2024: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બોક્સિંગ ડેથી બોર્ડર-ગાવસ્કર સીરિઝની ચોથી ટેસ્ટનો પ્રારંભ થશે. આ મેચ મેલબોર્નમાં રમાશે. ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ પિચો પર અસંતોષ વ્યક્ત કર્યો હતો અને રોહિત શર્માના ઘૂંટણની ઈજા માટે પિચના અસમાન ઉછાળાને જવાબદાર ઠેરવ્યો હતો, પરંતુ એમસીજીના ક્યુરેટર મેટ પેજે પિચનું સમર્થન કરતા કહ્યું હતું કે, પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું.

સપોર્ટ સ્ટાફના સભ્ય દયાનંદ ગરાનીના થ્રોડાઉન રમવાના પ્રયાસમાં રોહિતના ડાબા ઘૂંટણમાં સોજો આવી ગયો હતો અને તેણે રવિવારે નેટ્સ પર પ્રેક્ટિસ કરી નહોતી. ટીમે સોમવારે પ્રેક્ટિસ ન કરવાનો નિર્ણય લીધો હતો. એવું જાણવા મળ્યું હતું કે સુકાનીના પગ પર બરફ લગાવવો પડ્યો હતો અને ટીમના ‘થિંક ટેન્ક’ એ તેને પીચના અસમાન ઉછાળાને જવાબદાર ઠેરવ્યો હતો.

ભારતીય ટીમે બે મહિના પહેલા પોતાનું ટ્રેનિંગ શેડ્યૂલ મોકલ્યું હતું પરંતુ એમસીજીના ક્યુરેટર ટેસ્ટ મેચના ત્રણ દિવસ પહેલા નવી પ્રેક્ટિસ પિચ પૂરી પાડવાની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરને વળગી રહ્યા હતા. ચોથી ટેસ્ટ 26 ડિસેમ્બરથી શરૂ થશે.

મેલબોર્ન ટેસ્ટ પહેલા પિચને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. ભારતીય ટીમને એવી પ્રેક્ટિસ પિચ આપવામાં આવી ન હતી કે જેના પર ગતિ ઉછાળવાળી હોય અને પિચ ઝડપી હોય. ભારત તેનાથી નાખુશ છે. ઑસ્ટ્રેલિયન ટીમને પ્રેક્ટિસ માટે નવી પીચ આપવામાં આવી હતી. હકીકતમાં, એવું માનવામાં આવે છે કે આવી પીચ ઇરાદાપૂર્વક ભારતીય ટીમને પ્રેક્ટિસ માટે આપવામાં આવી હતી, જેના કારણે તેમની પ્રેક્ટિસ પર અસર પડી હતી અને તેઓ મેલબોર્ન ટેસ્ટ માટે યોગ્ય રીતે તૈયારી કરી શક્યા ન હતા.

મેલબોર્નની પિચ વિશે ક્યુરેટર શું કહે છે?

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) ના ક્યુરેટર મેટ પેજે કહ્યું, એમસીજીમાં પર્થની બાઉન્સ અથવા ગાબાની સીમ મૂવમેન્ટ નહીં હોય, પરંતુ છ એમએમ ઘાસ સાથે, પિચ ઝડપી બોલિંગ માટે અનુકૂળ રહેશે. પેજે જણાવ્યું હતું કે સ્પિનરોને મદદ કરવા માટે પૂરતી તિરાડો નહીં હોય. સાત વર્ષ પહેલાં પિચ ખૂબ સપાટ હતી, અમે એક શાનદાર ટેસ્ટ મેચ ઇચ્છીએ છીએ. જેથી અમે વધુ ઘાસ છોડીશું. તેનાથી બોલરોને વધારે મદદ મળશે. પેજે જણાવ્યું કે નવો બોલ જૂનો થયા બાદ તે બેટિંગ માટે સારી રહેશે.

શ્રેણી હાલમાં 1-1 થી બરાબરી પર છે. શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેથી બોક્સિંગ ડે ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલાં જ ઑસ્ટ્રેલિયાથી માઇન્ડ ગેમ્સ શરૂ થઈ ગઈ છે.

મેલબોર્નમાં કેવો છે ભારતનો દેખાવ

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત 1948 થી 2000 સુધી અત્યાર સુધીમાં 14 મેચ રમ્યું છે, જેમાં ભારતે 4 મેચ જીતી છે અને 8 હારી છે. ભારતે પ્રથમ વખત 1977માં આ મેદાન પર જીત મેળવી હતી. ભારતને 1981માં આ મેદાન પર તેની બીજી જીત મળી હતી. આ પછી ભારતે ત્રીજી જીત માટે 37 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. 2018માં ભારતને આ મેદાન પર ત્રીજી જીત મળી હતી. તે જ સમયે, ભારતને 2020 માં એક મોટી જીત મળી હતી.

આ પણ વાંચોઃ પહાડો પર બરફવર્ષા, દાલ સરોવર થીજી ગયું; જાણો હવામાન અપડેટ

Back to top button