ટોપ ન્યૂઝસ્પોર્ટસ

Ind vs Aus : ટેસ્ટ સીરિઝ માટે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજા બાદ થયો ફીટ, ટીમ માટે મોટા સમાચાર

ભારતીય ક્રિકેટ ટીમ માટે આ દિવસોમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈજાના કારણે ટીમની બહાર રહેલો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ હવે સ્વસ્થ થઈ રહ્યો છે. તે રિહેબ માટે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં હાજર છે, જ્યાં તેણે બોલિંગ પણ શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝની વચ્ચે ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 4 ટેસ્ટ અને 3 વનડે સીરીઝ રમવાની છે. જેમાંથી પ્રથમ ટેસ્ટ મેચ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં રમાશે.

ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી બે ટેસ્ટ રમવાની અપેક્ષા છે

બીસીસીઆઈએ શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. બોર્ડે રોહિત શર્માને કેપ્ટન અને કેએલ રાહુલને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. આવી સ્થિતિમાં, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જસપ્રીત બુમરાહ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ સાથે જોડાઈ શકે છે અને શ્રેણીની છેલ્લી બે ટેસ્ટ મેચ રમી શકે છે. મહત્વનું છે કે, 29 વર્ષીય બુમરાહે પીઠની ઈજાને કારણે ગયા વર્ષે સપ્ટેમ્બરથી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે પણ તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો, પરંતુ તેણે તાજેતરમાં જ NCA ખાતે નેટ્સમાં બોલિંગ શરૂ કરી છે, જેના કારણે તેની વહેલી વાપસીની આશા બંધાઈ ગઈ છે.

Rohit Sharma File Image
Rohit Sharma File Image

રોહિત શર્માએ પણ બુમરાહ વિશે અપડેટ આપ્યું

હાલમાં જ ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી વન-ડેમાં જીત બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, ‘હું બુમરાહને લઈને બહુ ચોક્કસ નથી, પરંતુ મને આશા છે કે તે ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટમાં રમશે. અમે કોઈ જોખમ લેવા માંગતા નથી કારણ કે પીઠની ઈજા હંમેશા ગંભીર હોય છે. અમે NCAના ફિઝિયો અને ડૉક્ટરોના નિયમિત સંપર્કમાં છીએ. મેડિકલ ટીમ તેને ફિટ થવા માટે પૂરો સમય આપશે.

પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતની ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર. અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા (ફિટનેસ પર આધાર રાખે છે), મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવ.

ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ (ટેસ્ટ સિરીઝ શેડ્યૂલ):

પ્રથમ ટેસ્ટ – 9 થી 13 ફેબ્રુઆરી, નાગપુર
બીજી ટેસ્ટ – 17 થી 21 ફેબ્રુઆરી, દિલ્હી
ત્રીજી ટેસ્ટ – 1 થી 5 માર્ચ, ધર્મશાલા
ચોથી ટેસ્ટ – 9 થી 13 માર્ચ, અમદાવાદ

Back to top button