સ્પોર્ટસ

IND vs AUS : બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયા 480 રને ઓલઆઉટ, જ્યારે ભારત 36/0

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝમાં બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયા 480માં ઓલઆઉટ થયું હતું જયારે જવાબમાં ભારતે વિના વિકેટે 36 રન કર્યા હતા. ભારત હજી ઓસ્ટ્રેલિયાથી 444 રન પાછળ છે. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ ઉસ્માન ખ્વાજાએ 180 રન કર્યા જયારે કેમરૂન ગ્રીને 114 રન કર્યા હતા જયારે ભારત તરફથી અશ્વિને સૌથી વધુ 6 વિકેટ ઝડપી હતી, જવાબમાં ભારતે વિના વિકેટે 36 રન કર્યા છે. કેપ્ટન રોહિત શર્મા 17 અને શુભમન ગિલ 18 રન કરી ક્રીઝ પર છે.

ઑસ્ટ્રેલિયાની 480 રને ઇનિંગ્સ પુરી

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સ 480 રને સમાપ્ત થઇ હતી. આજે ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટે 255 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ ઉસ્માન ખ્વાજા અને કેમરૂન ગ્રીન ક્રિઝ પર હાજર હતા. બંનેએ પાંચમી વિકેટ માટે 208 રનની ભાગીદારી કરી હતી. કેમરૂન ગ્રીને આઉટ થતા પહેલા ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. તે 170 બોલમાં 114 રન બનાવીને આઉટ થયો હતો. અશ્વિને ગ્રીનને વિકેટકીપર કેએસ ભરતના હાથે કેચ કરાવ્યો હતો. આ જ ઓવરમાં અશ્વિને એલેક્સ કેરીને પણ પેવેલિયન ભેગો કરી દીધો હતો. એલેક્સ કેરી ખાતું પણ ખોલાવી શક્યો ન હતો..

આ પણ વાંચો : ભારત ઓસ્ટ્રેલિયાની મેચને લઈને અમદાવાદ મેટ્રોનો સમય લંબાવાયો

આ પછી ઓસ્ટ્રેલિયાને 387ના સ્કોર પર સાતમો ઝટકો લાગ્યો હતો. રવિચંદ્રન અશ્વિને મિશેલ સ્ટાર્કને શ્રેયસ અય્યરના હાથે શોર્ટ લેગ પર કેચ કરાવ્યો હતો. સ્ટાર્ક 6 રન બનાવી શક્યો હતો. ચાના સમય સુધીમાં ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટ ગુમાવીને 409 રન બનાવ્યા હતા. ચા પછીની પહેલી જ ઓવરમાં ઉસ્માન ખ્વાજાને અક્ષર પટેલે LBW આઉટ કર્યો હતો. તે 422 બોલમાં 180 રન બનાવી શક્યો હતો. આ પછી નાથન લિયોન અને ટોડ મર્ફીએ નવમી વિકેટ માટે 70 રનની ભાગીદારી નોંધાવી હતી. અશ્વિને મર્ફી (41)ને LBW અને પછી લિયોન (34)ને કોહલીના હાથે કેચ આઉટ કરાવીને ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સને 480 રનમાં પુરી કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદ ટેસ્ટ : ભારત 15 વર્ષથી એક પણ મેચ નથી હાર્યું, ઓસ્ટ્રેલિયા આ મેદાનમાં પ્રથમ વખત રમશે

અશ્વિને આ ઇનિંગમાં કુલ 6 વિકેટ ઝડપી હતી. 32મી વખત તેણે ટેસ્ટમાં એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી છે. તે જ સમયે, તેણે ભારતની ધરતી પર 26મી વખત આવું પ્રદર્શન કર્યું. ઓસ્ટ્રેલિયા સામે સાતમી વખત અશ્વિને ટેસ્ટમાં એક ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી છે. તેણે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં 113 વિકેટ ઝડપી છે. અશ્વિન સિવાય શમીને 2 વિકેટ મળી હતી. જયારે , અક્ષર-જાડેજાને 1-1 વિકેટ મળી હતી.

પહેલા દિવસે શું થયું?

અમદાવાદની સપાટ પીચ પર ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હેડ અને ખ્વાજાએ પ્રથમ વિકેટ માટે 61 રન જોડ્યા હતા. આ પછી હેડ (32) અને લાબુશેન (3) આઉટ થયા હતા, પરંતુ સ્મિથે ખ્વાજા સાથે સારી ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાને સારી સ્થિતિમાં પહોંચાડ્યું હતું. સ્મિથ (38) અડધી સદી ફટકારી શક્યો ન હતો ત્યારબાદ પીટર હેન્ડ્સકોમ્બ (17) પણ ઓછા રને પેવેલિયન ભેગો થયો હતો. જો કે આ પછી ગ્રીન અને ખ્વાજાએ પહેલા દિવસે એકપણ વિકેટ પડવા દીધી ન હતી. આ દરમિયાન ખ્વાજાએ પણ પોતાની સદી પૂરી કરી હતી.

Back to top button