ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નર ભારત સામે હાર બાદ ટીમની બહાર?
ભારત તરફથી મળેલી કારમી હાર બાદ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં હોબાળો મચી ગયો છે. નાગપુરમાં ઇનિંગ્સ અને 132 રનની હાર બાદ હવે ઓસ્ટ્રેલિયાની ટીમ દિલ્હી ટેસ્ટ માટે મોટા ફેરફારના મૂડમાં છે. ઓસ્ટ્રેલિયા તેના અનુભવી બેટ્સમેન ડેવિડ વોર્નરને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવા જઈ રહ્યું છે. જણાવી દઈએ કે ડેવિડ વોર્નર નાગપુર ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ફ્લોપ રહ્યો હતો. પ્રથમ દાવમાં તે માત્ર 1 રન જ બનાવી શક્યો હતો અને બીજી ઈનિંગમાં તેના બેટમાંથી માત્ર 10 રન જ નીકળ્યા હતા. તેના ફોર્મ પર સતત સવાલો ઉઠી રહ્યા હતા અને હવે નાગપુરમાં તેના ખરાબ પ્રદર્શને કારણે આ ચર્ચાએ જોર પક્ડયું છે.
ડેવિડ વોર્નરને દિલ્હી ટેસ્ટમાંથી બહાર કરવામાં આવી શકે છે. તેના સ્થાને લેફ્ટી બેટ્સમેન ટ્રેવિસ હેડને પ્લેઈંગ ઈલેવનમાં તક મળવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે શાનદાર ફોર્મમાં હોવા છતાં હેડને બેન્ચ પર બેસાડવામાં આવ્યો હતો, જે બાદ ટીમ મેનેજમેન્ટ પર ઘણા સવાલો ઉભા થયા હતા.
હવે તમે વિચારી રહ્યા હશો કે વોર્નરને માત્ર એક જ મેચ બાદ આઉટ કરવાની વાત શા માટે થઈ રહી છે. ટીમ ઈન્ડિયા સામે આ ખેલાડીનો ટેસ્ટ રેકોર્ડ ઘણો ખરાબ છે. ઓસ્ટ્રેલિયા હોય કે ભારત, બંને જગ્યાએ તે પોતાને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. ભારતમાં વોર્નરે 9 ટેસ્ટમાં માત્ર 22.16ની એવરેજથી માત્ર 399 રન બનાવ્યા છે. ભારત સામે તેની એકંદર ટેસ્ટ એવરેજ પણ 32.19 છે. ઓપનર માટે આ પ્રકારનું પ્રદર્શન અસહ્ય માનવામાં આવે છે. આ જ કારણ છે કે વોર્નરને ટીમમાંથી બહાર કરવા માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
ઓસ્ટ્રેલિયાએ એક્સ્ટ્રા સ્પિનરને બોલાવ્યા
તમને જણાવી દઈએ કે નાગપુર ટેસ્ટમાં હાર બાદ ઓસ્ટ્રેલિયાની ટીમે ઓસ્ટ્રેલિયાથી વધુ એક સ્પિનરને ભારત બોલાવ્યો છે. ડાબોડી સ્પિનર મેથ્યુ કુહનેમેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ખેલાડી દિલ્હી ટેસ્ટમાં ડેબ્યૂ કરી શકે છે. કુહનેમેને તાજેતરમાં જ બિગ બેશ લીગમાં સારો દેખાવ કર્યો હતો અને તેણે ગયા વર્ષે વનડેમાં પણ ડેબ્યુ કર્યું હતું. દિલ્હી ટેસ્ટમાં પણ પીચ પર ટર્ન મળવો નિશ્ચિત માનવામાં આવે છે અને આ જ કારણ છે કે ઓસ્ટ્રેલિયા હવે તેના સ્પિન આક્રમણને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.