- જિલ્લા પોલીસ અને સુરત પોલીસ દોડતી થઈ હતી
- લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
- કામરેજ વિસ્તારમાં બંધક બનાવી લૂંટ ચલાવી
સુરતમાં ફરી એકવાર મોટી લૂંટની ઘટના સામે આવી રહી છે. જેમાં આંગડિયા પેઢીમાંથી લાખોની રોકડ લઈ નીકળેલા વેપારીને મોપેડ પર આવેલા બે શખ્સોએ બંદૂકની નોક પર બંધક બનાવી લૂંટ ચલાવી છે. એટલું જ નહીં આ ઘટના ધોળા દિવસે બની છે અને તેમાં રૂ. 88 લાખની લૂંટ ચલાવી બે લૂંટારુઓ ફરાર થયા છે. આ પછી સુરત પોલીસ દોડતી થઈ છે.
આ અંગેની માહિતી અનુસાર, મહિધરપુરા ભવાની વડ વિસ્તારમાં આવેલી પટેલ પ્રવિણકુમાર આંગડિયા પેઢીમાં બપોરના સમય દરમિયાન હીરા વેપારી આંગડિયા પેઢીમાંથી રૂપિયા 88 લાખનું આંગડિયું લઇ વેપારી પોતાના નિયત સ્થળે જવા માટે નીકળ્યો હતો. જે દરમિયાન મોપેડ પર આવેલા બે શખ્સોએ બંદૂકની નોક પર હીરા વેપારીને ડરાવી- ધમકાવી બંધક બનાવ્યા બાદ મોપેડ પર બેસાડી લઈ ફરાર થઈ ગયા હતા.
કામરેજ નજીક 88 લાખની રોકડ રકમની લૂંટ ચલાવી વેપારીને અધ્ધ રસ્તા વચ્ચે મૂકી ભાગી છૂટ્યા હતા. ઘટના અંગેની જાણકારી મળતા જિલ્લા પોલીસ અને સુરત પોલીસ દોડતી થઈ હતી. જોકે લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં લૂંટારૂઓનું પગેરું મેળવવાની દિશામાં પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે.
આ પણ વાંચો : અમદાવાદનું રીઅલ એસ્ટેટ માર્કેટ ભારતનું સૌથી વધુ એફોર્ડેબલ શહેર
સુરતના મહિધરપુરા ખાતે આવેલી આંગડિયા પેઢી પર મહિધરપુરા પોલીસ, સુરત ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા આંગડિયા પેઢી અને તેની આસપાસ આવેલા સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. જ્યારે લૂંટારોઓનું પગેરું મેળવવા અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી હતી.