ડુંગળીની એક્સપોર્ટ ડ્યૂટીમાં 40 ટકાનો વધારો
ટામેટા બાદ હવે ડુંગળીના ભાવ પણ વધવા લાગ્યા છે.ડુંગળીની વધતી કિંમતોને રોકવા કેન્દ્ર સરકારે ડુંગળીની એક્સપોર્ટ ડ્યૂટીમાં 40 ટકાનો વધારો કર્યો છે.જણાવી દઈએ કે, આગામી મહિનાઓમાં ડુંગળીના ભાવમાં વધારો થવાની આશંકાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે સપ્ટેમ્બરમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી શકે તેમ છે. સરકાર તેને રોકવા પ્રયાસ કરી રહી છે.
સુરતમાં સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા
ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમ આવી દરોડા પડી ગઈ અને સુરતની સરથાણા પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા સરથાણા ખાતેના વાલક પાટીયા પાસે આવેલા એક ગોડાઉનમાં રેડ કરી ભેળસેળયુક્ત ડીઝલના રેકેટનો પર્દાફાસ કર્યો હતો.SMC ની ટીમે સ્થળ ઉપરથી પાંચ આરોપીઓને ઝડપી પાડી 34 લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો.મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મળેલી ચોક્કસ બાતમીને આધારે સરથાણા પોલીસની નાક નીચે વાલક પાટીયા ખોડીયાર પાર્કિંગ ખાતે આવેલા ગોડાઉનમાં રેડ કરી ભેળસેળ યુક્ત ડીઝલના રેકેટનો પરદાફાશ કર્યો હતો. સ્ટેટ મોનિટર સેલની ટીમે આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓ ભરત મકનજી વઘાસીયા, પરેશ મનસુખભાઈ મકવાણા, મયુર ઢોલરીયા, શાહરૂખ અજમેરી અને નિલેશ મારવાડીને સપોર્ટ પરથી ઝડપી પાડ્યા હતા.
મહિલાઓ 800 કિમીની યાત્રા ખેડી જવાનોને રાખડી બાંધશે
સુરતથી જેસલમેર 800 કિમીની સફરે એક મહિલાઓનું ગ્રુપ નીકળ્યું છે. દિવ્યાંગ અને ડાંગના વઘઈની આદિવાસી મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી ત્રણ હજાર જેટલી રાખડીઓની બીએસએફના જવાનોને બાંધવામાં આવશે. આ સાથે એક દિવસ જવાનો સાથે વિતાવી તેમની દેશ રક્ષાની કામગીરીને બિરદાવવામાં આવશે.સુરતનું અમી ચેરીટેબલ સેવા ટ્રસ્ટ અને સેવા સદભાવના વેલ્ફર ફાઉન્ડેશન દ્વારા રક્ષાબંધન પહેલા દેશના જવાનો માટે રાખડી બાંધવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રુપ છેલ્લા ત્રણ વર્ષથી દેશના જવાનોને રાખડી બાંધવા જાય છે. આ વખતે 11 મહિલાઓ, ત્રણ બાળકો અને 6 પુરુષો સાથે સુરતથી જેસલમેર બોર્ડર સુધીની યાત્રા શરૂ કરી છે.
આગામી બે મહિનામાં ઈ-પાસપોર્ટ મળવાનું શરૂ થઈ જશે
દેશમાં હવે તમામ લોકોને આગામી બે મહિનામાં ઈ-પાસપોર્ટ મળવાનું શરૂ થઈ જશે. ચિપ ધરાવતા આ પાસપોર્ટના તમામ ટેક્નિકલ પરીક્ષણ પૂરાં થઈ ચૂક્યાં છે. નાસિકસ્થિત ઈન્ડિયન સિક્યોરિટી પ્રેસમાં પહેલા વર્ષે 70 લાખ ઈ-પાસપોર્ટની બ્લેન્ક બુકલેટ છપાઈ રહી છે. આ પ્રેસમાં ચિપથી સજ્જ 4.5 કરોડ પાસપોર્ટ છાપવાનો ઓર્ડર મળ્યો છે. 41 એડવાન્સ ફીચર ધરાવતા આ પાસપોર્ટ ઈન્ટરનેશનલ સિવિલ એવિયેશન ઓર્ગેનાઈઝેશનના તમામ માપદંડ પૂરા કરે છે. તેના થકી 140 દેશના એરપોર્ટ પર ઈમિગ્રેશન પ્રક્રિયા ગણતરીની મિનિટોમાં પૂરી થઈ જશે.દેખાવમાં આ સામાન્ય પાસપોર્ટ જેવો જ છે. ફક્ત બુકલેટ વચ્ચે કોઈ પેજ પર રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન ચિપ અને છેલ્લે નાનકડું ફોલ્ડેબલ એન્ટેના રહેશે. આ ચિપમાં આપણી બાયોમેટ્રિક ડીટેલ અને તે તમામ બાબત હશે, જે બુકલેટમાં પહેલેથી છે. પાસપોર્ટ સેવા પ્રોગ્રામ 2.0 નામની આ યોજના હેઠળ તમામ નવા પાસપોર્ટમાં આવી ચિપ હશે. જૂની બુકલેટ રિ-ઈસ્યૂ વખતે ઈ-પાસપોર્ટમાં અપગ્રેડેશનનો વિકલ્પ મળશે. એ વખતે જૂનો પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે.
રશિયાના મૂન મિશનને લાગ્યું ‘ગ્રહણ’
રશિયન અવકાશયાન લુના-25ની ભ્રમણકક્ષામાં ફેરફાર દરમિયાન શનિવારે કટોકટીની સ્થિતિ સર્જાઈ હતી. રશિયન સ્પેસ એજન્સી રોસકોસ્મોસે કહ્યું કે લુના-25 વાહનની ભ્રમણકક્ષા બદલવા માટે થ્રસ્ટ જારી કરાયું, પરંતુ કટોકટીના કારણે ભ્રમણકક્ષા યોગ્ય રીતે બદલી શકાઈ નહીં. આ વાહન બુધવારે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું. લુના 21 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરશે.ઉલ્લેખનીય છે કે રશિયાની મૂન મિશન સાથે ચંદ્રને એક્સપ્લોર કરવા મહત્વપૂર્ણ રીતે પુનરાગમન કરી રહ્યું છે. 1976માં સોવિયેત યુગના લુના-24 મિશન પછી લગભગ પાંચ દાયકામાં પ્રથમવાર, 10 ઓગસ્ટે લુના-25 અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું. તેણે ચંદ્ર માટે વધુ સીધો માર્ગ અપનાવ્યો છે. એવી સંભાવના છે કે આ યાન 11 દિવસમાં 21 ઓગસ્ટ સુધીમાં લેન્ડિંગનો પ્રયાસ કરવામાં સફળ થઈ જશે.
સની દેઓલના વાઇરલ વીડિયોમાં કંગનાએ આપ્યું રિએક્શન
કંગના રનૌતે હાલમાં જ સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા સની દેઓલના એક વીડિયો પર રિએક્શન આપ્યું છે. વીડિયોમાં સની દેઓલ એરપોર્ટ પર તેમની સાથે સેલ્ફી લેવા આવેલા ફેન પર બૂમો પાડતો જોવા મળે છે. હવે આ વીડિયો પર રિએક્શન આપતા કંગનાએ સેલ્ફી કલ્ચર વિશે વાત કરી અને સની દેઓલને પણ સપોર્ટ કર્યો હતો. સોશિયલ મીડિયા પર એક પેરોડી એકાઉન્ટે સની દેઓલનો વીડિયો શેર કરીને લખ્યું હતું, ‘પહેલી પેઢીના સ્ટાર્સને આવું વર્તન કરતા ક્યારેય જોયા નથી. આવી વર્તણૂક એવા સ્ટાર કિડ્સ જ કરી શકે છે જેઓ ખ્યાતિ અને વિશેષાધિકારમાં મોટા થયા છે અને ફેનના પ્રેમને મહત્વ આપતા નથી. શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચનની જેમ હંમેશા આભારી બનો.
કેદીઓનાં ચિત્રમાં અદ્દભૂત સર્જનાત્મકતા દેખાઈ
જેલમાં બંધ કેદીઓની સર્જનાત્મક શક્તિ ખીલે અને તે ગુનાખોરીનો રસ્તો છોડી સતમાર્ગના રસ્તે આગળ વધે તથા સમાજમાં સારા આશયથી ફરી સ્થાન મેળવે તે માટે સુરતની લાજપોર જેલમાં જુદા-જુદા પ્રકારની અનેક સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓ છેલ્લાં ઘણા સમયથી ચાલી રહી છે. આ આશય સાથે જ લાજપોર જેલના કેદીઓને પેઇન્ટિંગ ક્લાસીસ શરૂ કરાયા છે અને તેના ભાગરૂપે કેદીઓ દ્વારા અનેક પ્રકારના અવનવા મેસેજ સાથેના ચિત્રો તૈયાર કરાયા. જેમાંના 130 જેટલા ચિત્રોનું પ્રદર્શન અને વેચાણ લાજપોર જેલ પ્રશાસન દ્વારા ચાર દિવસ માટે કરવામાં આવ્યું. આ પ્રદર્શનીની વિશેષ વાત તો એ રહી કે, કેદીઓએ બનાવેલા ચિત્રોની પ્રદર્શની ગોઠવ્યાના ગણતરીના સમયમાં જ તે વેચાઈ ગયા હતા. પ્રદર્શનીમાં ગોઠવાયેલા 130 જેટલા ચિત્રો કોઈ ને કોઈ સંદેશ આપતા હતા પરંતુ, તેમાંના એક ચિત્રની કારીગરી, તેમાં છલકતો વ્યથાનો ભાવ અને સંદેશ એટલો બેનમૂન હતો કે, હાજર તમામ ચિત્રોમાં તે એક વિશેષ ચિત્ર તરીકે ઉપસી આવ્યું હતું. પ્રિન્ટિંગનાં નિષ્ણાતો દ્વારા તેની ઊંચી કિંમત નક્કી કરી હતી અને વેચાયું હતું.