ગુજરાતમાં NHM અંતર્ગત કોન્ટ્રેક્ટ આરોગ્ય કર્મીઓના લઘુતમ વેતનમાં વધારો
- નેશનલ હેલ્થ મિશન (NHM) અંતર્ગત કાર્યરત ટેકનીકલ અને નોન ટેકનિકલ સંવર્ગના કરાર આધારિત કર્મચારીઓનો પગારમાં ૨૫% વધારો
- ૧૦૦ જેટલી કેડરમાં કરાર આધારિત સેવારત કર્મીઓના પગાર અને લઘુતમ વેતનમાં વધારો કરાયો
- અંદાજિત ૨૬,૦૦૦ જેટલા કર્મીઓને આ નિર્ણયનો લાભ મળશે
- તા.૧-૦૩-૨૦૨૪ ના ઠરાવથી આ નિર્ણય અમલી બનશે
ગાંધીનગર, 16 માર્ચ, 2024, રાજ્યમાં એનએચએમના કોન્ટ્રેક્ટ આધારિત કર્મીઓ માટે ચૂંટણી પહેલાં સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે આ કોન્ટ્રેક્ટ પરના કર્મીઓના લઘુતમ વેતનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ અંગેની જાહેરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આજે શનિવારે કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે NHM હેઠળ કાર્યરત કરાર આધારિત આરોગ્ય કર્મીઓના હિતલક્ષી સંવેદનશીલ નિર્ણય કરયો છે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ ૧૧ માસના કરાર આધારિત કાર્યરત ટેકનિકલ અને નોન ટેકનિકલ સંવર્ગના આરોગ્ય કર્મીઓના પગારમાં ૨૫% નો વધારો કરાયો છે.
ટેકનિકલ અને નોન ટેકનિકલ ૧૦૦ જેટલી કેડરમાં પગાર અને લઘુતમ વેતનમાં વધારો કરાયો છે. રાજ્યના અંદાજિત ૨૬,૦૦૦ થી વધુ આરોગ્ય કર્મીઓને આ નિર્ણયનો લાભ મળશે. ૧૧ મહિનાનો કરાર પૂર્ણ થતા પુન: નિમણૂક વખતે પાંચ ટકાનો વધારો આપવામાં આવશે. તા.૧-૦૩-૨૦૨૪ ના ઠરાવથી આ નિર્ણય અમલી બનશે આરોગ્ય કર્મીઓની લાગણીઓને કેન્દ્રમાં રાખીને સરકારે આ હિતલક્ષી નિર્ણય કર્યો છે.
આ નિર્ણયથી સરકારની તિજોરી પર માસિક ₹ 18.15 કરોડ અને વાર્ષિક ₹ 217.484 કરોડનો બોજો પડશે.