રૂરકી રેલ્વે સ્ટેશનના સુપરિન્ટેન્ડેન્ટને 21 મેના રોજ લક્સર, નજીબાબાદ, દેહરાદૂન, રૂરકી, ઋષિકેશ, હરિદ્વાર રેલ્વે સ્ટેશન ઉપરાંત હરિદ્વાર અને અન્ય ધાર્મિક સ્થળો સહિત અનેક રેલ્વે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો પત્ર મળ્યો છે. પત્ર મોકલનારે પોતાને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો એરિયા કમાન્ડર ગણાવ્યો છે.
પત્રમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રીનું નામ પણ નિશાના પર હોવાનું જણાવવામાં આવ્યું છે. પત્ર મળ્યા બાદ હરિદ્વારથી નજીવાબાદ સુધી હોબાળો મચી ગયો છે. પોલીસે પત્ર મોકલનારની શોધખોળ શરૂ કરી છે. આ સાથે ઉત્તરાખંડ અને યુપીના રેલવે સ્ટેશનો પર તકેદારી વધારી દેવામાં આવી છે.
રેલ્વે સૂત્રોના જણાવ્યા અનુસાર, રૂરકી રેલ્વે સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટને શનિવારે સાંજે એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો. પત્ર તૂટેલી હિન્દીમાં લખાયેલો છે. જેમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એરિયા કમાન્ડર સલીમ અંસારી તરીકે દર્શાવીને લક્સર, નજીબાબાદ, દેહરાદૂન, રૂરકી, ઋષિકેશ, હરિદ્વાર રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ સાથે તેણે હરિદ્વારમાં મનશા દેવી, ચંડી દેવી સહિત અન્ય ધાર્મિક સ્થળોને પણ નિશાન બનાવવાની ધમકી આપી છે.