વિંછીયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 337 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
રાજકોટ, 16 ફેબ્રુઆરી 2024, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે રૂ. ૩૩૭.૦૬ કરોડના સૌની યોજનાની લિન્ક-૪ના પેકેજ-૯ સહિતના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજે ૨૧૪ દિવ્યાંગોને રૂ. ૨૮.૯૩ લાખની સાધન સહાય, વિચરતી જાતિના ૧૩૩ લાભાર્થીને આવાસ માટે પ્લોટની સનદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ જિલ્લાના યુવાનોને ટેકનિકલ તાલીમ થકી રોજગારલક્ષી શિક્ષણ આપવા માટે નવ કરોડનું નવું આઈટીઆઈ ભવન યુવા વિકાસની આપણી નેમ છે તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું.
૩૭૨ સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું
સૌની યોજનાની લિન્ક-૪ના પેકેજ ૯નું કામ રૂ.૧૮૧ કરોડના ખર્ચે હાથ ધરવાની, ખાતમુહૂર્ત વિધિ એ અન્નદાતાને સિંચાઈ સુવિધાથી સમૃદ્ધ કરવાનો સંકલ્પ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે વિચરતી વિમુક્ત જાતિના ૧૩૩ પરિવારોને રહેણાંકના હેતુ માટે જમીનની સનદ આપવામાં આવી હતી. જ્યારે ૨૧૪ જેટલા દિવ્યાંગોને રૂ. ૨૮.૯૪ લાખના ખર્ચે ૧૮ પ્રકારના ૩૭૨ સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ રિમોટથી વિવિધ લોકાર્પણ, ખાતમુહૂર્તનાં કામોની તકતીનું અનાવરણ કર્યું હતું. મુખ્યમંત્રી મંચ પર આવતા પહેલાં સૌ પ્રથમ વિચરતી વિમુક્ત જાતિના લોકો તેમજ દિવ્યાંગોને મળવા પહોંચી ગયા હતા અને તેઓના ખબર અંતર પૂછી સરકારી યોજનાના લાભો સરળતાથી મળ્યા છે તે અંગે પૃચ્છા કરી હતી.
નવી આઈ.ટી.આઈ.ના લોકાર્પણનો સમાવેશ થાય છે
આજે વિંછીયામાં કુલ મળીને રૂ. ૩૩૭.૦૬ કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેની સૌની યોજનાની લિન્ક-૪ના પેકેજ-૯ના રૂ.૧૮૧ કરોડના કામો, અને ભાડલા તથા વિંછીયા ગ્રૂપ સુધારણા – જૂથ પાણી પૂરવઠા યોજનાના ૧૩૯ કરોડના કામોના ખાતમુહૂર્ત સામેલ છે. ઉપરાંત ઘેલો નદી પર રૂ.૫.૧૫ કરોડના ખર્ચે બનેલ મેજર બ્રિજ, આટકોટમાં રૂ. ૨.૧૧ કરોડના ખર્ચે બનેલા નવા બસ સ્ટેન્ડ, વિંછીયા ખાતે રૂ. ૯.૦૧ કરોડના ખર્ચે નિર્મિત નવી આઈ.ટી.આઈ.ના લોકાર્પણનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃઅમદાવાદમાં એસટી ડેપોમાંથી બસ ચોરી ગયેલો આરોપી દહેગામથી ઝડપાયો