સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ત્રિ-દિવસીય સ્પોર્ટસ એક્ટિવેશન કેમ્પનો પ્રારંભ
રાજ્યમાં શરૂ થયેલી 36મી નેશનલ ગેમ્સ અન્વયે રાજકોટના વિદ્યાર્થીઓ અને યુવાનોમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉદ્દેશ્યથી વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ત્રિ-દિવસીય અવેરનેસ કેમ્પનો પ્રારંભ થયો હતો, જેની થીમ -‘સેલિબ્રેટિંગ યૂનિટી થ્રૂ સ્પોર્ટસ’ (એકતાની ઉજવણી રમતોને સંગ) નિયત કરાઈ છે. આ પ્રસંગે મેયર પ્રદીપભાઈ ડવે પ્રાસંગિક પ્રવચનમાં રાજકોટના ખેલાડીઓને વિવિધ રમત-ગમતોમાં શ્રેષ્ઠ યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. ખેલાડીઓને ખેલદિલીની ભાવના થકી જીવનમાં આગળ વધવાની શીખ આપી હતી, સાથે રાજકોટ ખાતે યોજાઈ રહેલી હોકી તથા સ્વિમિંગની સ્પર્ધામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ખેલાડીઓને શુભકામના પાઠવી હતી.
જિલ્લા કલેક્ટરે સરકારનો આભાર માન્યો, લોકોએ શેરી રમતો તથા વિસરાયેલી રમતોનું નિદર્શન કર્યું
જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ સ્વાગત પ્રવચનમાં મહાનુભાવોને આવકાર્યા હતા અને નેશનલ ગેમ્સની યજમાની કરવાનો મોકો આપવા બદલ રાજ્ય સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં યોજાયેલી વિવિધ શેરી રમતો તથા વિસરાયેલી રમતોનું નિદર્શન મહાનુભાવોએ નિહાળ્યું હતું તથા આ રમતો રમીને બાળપણ તાજું કર્યું હતું. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ડોર હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આમંત્રિતોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.
ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડી, શાળા અને કોલેજોનું સન્માન કરાયું
આ પ્રસંગે વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા. શહેરના ઉભરતા ખેલાડીઓએ વિવિધ રમતોનું ઉપસ્થિતો સમક્ષ નિદર્શન કર્યું હતું. નેશનલ ગેમ્સના મેસ્કોટ ‘સાવજ’એ ઇન્ડોર હોલમાં લાઈવ નિદર્શન કરીને પ્રેક્ષકોને અને ખેલાડીઓને રોમાંચિત કર્યા હતા. રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓ, શાળા-કોલેજોનું મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર તથા પુરસ્કારના ચેક આપી બહુમાન કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, ડી.સી.પી.પ્રવીણકુમાર મીના, પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી, રમત-ગમત અધિકારી વી.પી. જાડેજા, જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.પી.દિહોરા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમાણી, વિવિધ ભવનોના વડાઓ, વિવિધ રમતોના પ્રશિક્ષકો તથા મોટી સંખ્યામાં છાત્રો અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન તથા આભાર દર્શન પરેશ વડગામાએ કર્યું હતું.
કલેકટર, કમિશનર સહિતના અધિકારીઓ કોર્ટ પર ખેલ્યા
આમ તો અધિકારીઓ ઓફિસ અવર્સમાં ખાસ ગણવેશમાં જોવા મળતા હોઈ છે, પરંતુ આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે આયોજિત સ્પોર્ટ્સ એક્ટીવેશન પ્રોગ્રામમાં કલેકટર, પોલીસ કમિશનર, પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ સ્પોર્ટ્સ ડ્રેસમાં ઉપસ્થિત રહી અધિકારીપણું નહીં પરંતુ ખેલાડીઓની આભા છોડી હતી. તેઓનું ચુસ્તી-સ્ફૂર્તિનું રહસ્ય પણ સ્પોર્ટ્સ જ છે, જે આજે તેઓએ વિવિધ સ્પોર્ટ્સમાં હાથ અજમાવી પ્રતિપાદિત કર્યું હતું. ખેલ-કૂદ જન-જાગૃતિ અર્થે ત્રિદિવસીય અવેરનેસ કાર્યક્રમ અન્વયે ઉપસ્થિત અધિકારીઓએ બેડમિન્ટન, બાસ્કેટબોલ પ્રતિસ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તકે ઉપસ્થિત ખેલાડીઓ તેમજ નગરજનો સમક્ષ વિવિધ ખેલનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં રેસ્ટલીંગ, બેડમિન્ટન તેમજ બાસ્કેટબોલ મેચ રમાડવામાં આવી હતી. આ તકે કરાટેના વિવિધ દાવપેચ, ચકસ પ્રોપ સાથે ખેલાડીઓ દ્વારા જોસભેર નિદર્શન સાથે સેલ્ફ ડિફેન્સનું મહત્વ સમજાવ્યું હતું.