અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ: સાયન્સ સિટી ખાતે ‘સાયન્સ સફર -2024’ અંતર્ગત STEM આધારિત વર્કશોપની શરૂઆત

અમદાવાદ 01 ઓગસ્ટ 2024 : ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી વિદ્યાર્થીઓ અને લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તે માટે સતત પ્રયત્નશીલ છે. જેના માટે અહીં અવારનવાર વિજ્ઞાનલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે. CCL- IIT ગાંધીનગરના સહયોગથી ગુજરાત સાયન્સ સિટી દ્વારા ‘સાયન્સ સફર -2024’ પહેલ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત STEM (સાયન્સ, ટેક્નલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ) આધારિત વર્કશોપની શરૂઆત કરવામાં આવી છે. પ્રથમ દિવસે યોજાયેલા વર્કશોપમાં 80 જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.

વિદ્યાર્થીઓ તેમની જાતે થ્રી ઈન વન ટોય અને બ્યૂગલ બનાવ્યા

વર્કશોપમાં ઉપસ્થિત રહેલા CCL – IIT ગાંધીનગરના નિષ્ણાત અભિજીત દાસ અને નિહાર પંડ્યાએ પ્રેક્ટિકલ સાથે વિદ્યાર્થીઓને ભૌતિક વિજ્ઞાનના જુદા જુદા સિદ્ધાંતો સમજાવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને થ્રી ઈન વન ટોય, પીવીસી બ્યૂગલ જેવી વસ્તુઓ બનાવતા પણ શીખવાડી હતી. થ્રી ઈન વન ટોયમાં એક જ ટોય બનાવીને વિદ્યાર્થીઓને વિજ્ઞાનના અલગ અલગ ત્રણ સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા હતા. તેમજ પીવીસી પાઈપની મદદથી બ્યૂગલ બનાવતા શીખવાડ્યું હતુ. આના માટે વિદ્યાર્થીઓને સ્ટ્રો અને પાઈપ આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ તેમની જાતે થ્રી ઈન વન ટોય અને બ્યૂગલ બનાવ્યા હતા. જુદી જુદી વસ્તુઓમાંથી જુદા જુદા પ્રકારનો અવાજ કઈ રીતે નીકળે છે તે વિશે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને ઘણાં યુનિક ટોય્ઝ બતાવવામાં આવ્યા હતા. જે ટોય્ઝ CCL- IIT ગાંધીનગરના નિષ્ણાતો દ્વારા બનાવવામાં આવ્યા છે. અને આ ટોય્ઝ વિજ્ઞાનના ક્યા સિદ્ધાંતને આધારે કામ કરે છે તે વિશે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું.

STEM આધારિત 180 વર્કશોપ્સ યોજવાનું નક્કી કરાયું

મહત્વનું છે કે ‘સાયન્સ સફર -2024’ અંતર્ગત STEM આધારિત 180 વર્કશોપ્સ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેનો આજે પહેલો વર્કશોપ હતો. આ પહેલનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ વિજ્ઞાનને નજીકથી સમજી શકે અને પોતાની જાતે આવી વસ્તુઓ બનાવી શકે તે માટે પ્રેરિત કરવાનો છે. જે વિદ્યાર્થીઓ આ વર્કશોપમાં ભાગ લેવા માગતા હોય તેઓ ગુજરાત સાયન્સ સિટીની વેબસાઈટ પર જઈને પોતાનું નામ રજીસ્ટર કરાવી શકે છે.

આ પણ વાંચો : અમદાવાદ: વધતા જતા સાયબર ક્રાઈમને અટકાવવા માટે 2 થી 15 ઓગસ્ટ સુધી સાયબર સંવાદનું આયોજન

Back to top button