પાલનપુર અને ડીસા ખાતે નવનિર્મિત UGVCLની કચેરીનું લોકાર્પણ, ઉર્જા મંત્રીએ કહ્યું- વીજ ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રાજ્ય
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની પાલનપુર અને ડીસા ખાતે નવનિર્મિત કચેરીનું નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું. આ પ્રસંગે મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીજ સંકટના નિવારણ માટે નાખેલા પાયાના પરિણામે આજે વીજ ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રાજ્ય છે. સોલાર, વિન્ડ પાવર અને રૂફ ટોપ યોજનાથી વીજ પ્રશ્ન સૉલ્વ કરવામાં સફળતા મળી છે. સોલાર રૂફટોપ યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં 80 ટકા કામગીરી સાથે પ્રથમ સ્થાને છે.
કનુભાઈએ વધુમાં કહ્યું હતું કે આ વખતે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે કે ડિસેમ્બર-2022 સુધીમાં એક પણ વીજ કનેક્શન બાકી નહીં રહે. તેમણે કહ્યું હતું કે ગ્રાહકોની સુવિધા માટે અદ્યતન કચેરીઓ અને ગ્રાહકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.
બનાસકાંઠા જિલ્લો રાજ્યની ઉત્તર સરહદે આવેલો છેવાડાનો જિલ્લો છે કે જે રાજસ્થાનની સરહદ સાથે તેમજ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો છે. કુલ 1237 ગામો અને 6 શહેરી વિસ્તાર ધરાવતી પાલનપુર વર્તુળ કચેરી દ્વારા 175 સબ સ્ટેશનમાંથી કુલ 1989 ફીડરો દ્વારા અને 1 લાખ 35 હજાર 619 ટ્રાન્સફોર્મર સેન્ટર દ્વારા કુલ 9 લાખ 37 હજાર 589 જેટલા વીજ ગ્રાહકોને વીજપૂરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 1 લાખ 54 હજાર 462 જેટલા ખેતીવાડી વીજ જોડાણો કાર્યરત છે, જે જિલ્લાના કુલ વપરાશનો 80 ટકા હિસ્સો ધરાવે છે.