ગુજરાતટોપ ન્યૂઝ

વિદ્યાર્થીનિઓને હેરાન કરતા આવારા તત્વોને કાયદાનું ભાન કરાવવામાં પોલીસ વિભાગ પાછી પાની નહી કરે: હર્ષ સંઘવી

  • વ્યાજખોરો અને ડ્રગ્સ માફિયાઓને કાબૂમાં લેવા માટે રાજકોટ પોલીસની કામગીરી સરાહનીય
  • દરેક પોલીસ સ્ટેશનમાં ન્યાયપૂર્ણ વાતાવરણ ઉભુ કરવાની પોલીસકર્મીઓની જવાબદારી
  • રાજ્ય સરકાર દ્વારા ૧૨ લોકોને ફાંસી, ૮૦થી વધુ લોકોને આજીવન કેદની સજા

રાજ્યના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજરોજ મેટોડા સહિત રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી, સુલતાનપુર અને એઇમ્સ પોલીસ ચોકી ખાતે નવનિર્મિત પાંચ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ તકે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નવનિર્મિત પાંચ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતી વેળાએ આ પોલીસ સ્ટેશનમાં આવનારા નાગરિક સાથે માનવીય વર્તન થાય, અને નાગરિકોને ન્યાયપૂર્ણ વાતાવરણ મળી રહે તે જોવાની જવાબદારી પોલીસ સ્ટેશનની સંપૂર્ણ ટીમની છે.

ગૃહરાજયમંત્રીએ રાજકોટ પોલીસને અભિનંદન પાઠવ્યા

તેમણે કહ્યું હતું કે, નવ નિર્મિત પોલીસ સ્ટેશનના કારણે સામાન્ય નાગરિકોને દૂર સુધી જવું નહિ પડે અને વિવિધ વિસ્તારમાં લોકરક્ષાની કામગીરી ઝડપથી થશે. મંત્રીએ રાજકોટ પોલીસને અભિનંદન પાઠવતા ઉમેર્યું હતું કે, લોકદરબારનું આયોજન કરીને જનતાને ન્યાય અપાવી વ્યાજખોરો અને ડ્રગ્સ માફિયાઓને કાયદાનું ભાન કરાવ્યું છે. મુખ્યમંત્રીના દિશાસૂચન હેઠળ માતાઓના મંગળસૂત્ર ઉપર તરાપ મારેલ વ્યાજખોરોના ત્રાસમાંથી પરિવારોને મુક્ત કરાવ્યા છે. અને ૧૦થી વધારે પરિવારોને તેમના મકાન પરત કરાવ્યા છે, જે બદલ રાજકોટ પોલિસ અભિનંદનના અધિકારી છે.

૧૨ લોકોને ફાંસી અને ૮૦થી વધારે લોકોને આજીવન કેદની સજા

ગૃહરાજયમંત્રીએ શહેર તથા જિલ્લામાં વધુ ને વધુ લોકદરબારનું આયોજન કરવા પોલિસ વિભાગને સૂચન આપતાં જણાવ્યું હતું કે, સ્કૂલ અને કોલેજ પાસે વિદ્યાર્થીનિઓને હેરાન કરતા આવારા તત્વોને કાયદાનું ભાન કરાવવામાં પોલીસ વિભાગ પાછી પાની નહી કરે. મંત્રીએ વધુમાં કહયું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ૧૨ લોકોને ફાંસી અને ૮૦થી વધારે લોકોને આજીવન કેદ અને કડક સજા કરવામાં આવી છે.

રાજકોટ રેન્જ આઈ.જી.પી.  અશોક યાદવે આપ્યું આ નિવેેદન

રાજકોટ રેન્જ આઈ.જી.પી.  અશોક યાદવે કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં એક સાથે નવા પાંચ પોલીસ સ્ટેશનના લોકાર્પણથી રાજકોટ જિલ્લાની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી શકાશે, અને જનતાના સુખ, શાંતિ અને સુરક્ષાના કાર્યો વધુ સુગમતાથી કરી શકાશે લો એન્ડ ઓર્ડરને સુદ્રઢ કરવા રાજ્ય સરકારનો આ પ્રયાસ ફળદાયી રહેશે.

ગૃહરાજયમંત્રીનું  કરાયુ સ્વાગત

આ પ્રસંગે મંત્રી સંઘવીનું ૧૩૦ જેટલા સ્ટુડન્ટ્સ પોલીસ કેડેટસ દ્વારા ગૃહ રાજયમંત્રીનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ પ્રતિનિધિ મંડળો દ્વારા મંત્રી સંઘવીનું શાલ અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભારવિધિ પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડે કરી હતી.

આ મહાનુંભાવો પણ  રહ્યા ઉપસ્થિત

આ કાર્યક્રમમાં સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા, રમેશ ધડુક તથા  રામભાઈ મોકરીયા,ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયા,જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, અગ્રણી ભરતભાઈ બોઘરા, હાસ્ય કલાકારધીરુભાઈ સરવૈયા, કલેકટર પ્રભવ જોશી, રેન્જ આઈ.જી.પી.અશોકકુમાર યાદવ, નગરપાલિકા કમિશનર ધીમંત વ્યાસ,જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, ડી.વાય.એસ.પી.સર્વ  એચ.એસ.રત્નુ,  કિશોરસિંહ ઝાલા,  રોહિતસિંહ ડોડીયા, મેટોડા ઇન્ચાર્જ કુલદીસિંહ ગોહિલ, મેટોડા જી.આઇ.ડી.સી.ના ઉદ્યોગપતિઓ, સરપંચઓ, આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : ગુજરાતની આંગણવાડીના 15 લાખથી વધુ બાળકો ટેક હોમ રાશન દ્વારા મેળવે છે પોષણયુક્ત આહાર

Back to top button