ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષ સ્થાને “બ્રિક્સ – યૂથ કાઉન્સિલ એન્ટરપ્રિન્યોરશિપ પ્રિ-કન્સલ્ટેશન”નો શુભારંભ
- નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી-ગાંધીનગર ખાતે કાર્યક્રમનું આયોજન થયું
ગાંધીનગર, 28 જાન્યુઆરી : નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી-ગાંધીનગર ખાતે આયોજિત “બ્રિક્સ – યૂથ કાઉન્સિલ એન્ટરપ્રિન્યોરશિપ પ્રિ-કન્સલ્ટેશન”નો શુભારંભ સમારોહ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. યુવા ઉદ્યોગસાહસિકો, સંશોધકોના વિચારો-કલ્પનાઓને મૂર્તિમંત કરવા માટેનો એક મંચ પૂરો પાડવા ભારત સરકારના યુવા બાબતો અને રમત ગમત વિભાગ તેમજ ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, આજે ભારતમાં સૌથી વધુ યુવાઓ છે, ત્યારે તેમને પ્રોત્સાહિત કરવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં અનેક વિવિધ કાર્યો થઈ રહ્યા છે. અગાઉ પણ રાજ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે યુવાનોને વધુમાં વધુ તક મળે તે માટે અદ્યતન વ્યવસ્થાઓ ઉભી કરી હતી.
આજે સમગ્ર ભારતમાં ગુજરાત ઉદ્યોગો માટે એક વિકાસ મોડલ છે, જેનો સૌથી મોટો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને જાય છે. મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, આજે ગુજરાત દેશમાં છેલ્લા ૨૦ વર્ષમાં ૩૩ ટકા નિકાસ કરતું રાજ્ય બન્યું છે. સમગ્ર દેશમાં ૧૮ ટકાથી વધુ ઉત્પાદન માત્ર ગુજરાત રાજ્ય કરે છે. દેશના જીડીપીમાં રાજ્યનો ફાળો અંદાજે ૮.૪ ટકા જેટલો છે. જેના પરિણામે ગુજરાત સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે.
વડાપ્રધાનના અથાગ પ્રયત્નો થકી આપણો દેશ અર્થ વ્યવસ્થામાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બનવા તરફ પ્રયાણ કરી રહ્યો છે. વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, આજે ૨૧મી સદીમાં દેશના યુવાનો ટેક્નોલોજી અને ડિજિટલ યુગમાં પોતાના પગભર થઈ શકે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. હાલમાં અમલી સ્ટાર્ટ અપ પોલિસી થકી રાજ્યમાં અંદાજે ૧૨ હજારથી વધુ તથા સમગ્ર દેશમાં અંદાજે ૧ લાખ ૫૦ હજાર કરતાં વધુ સ્ટાર્ટ અપ કાર્યરત છે. આજે ગુજરાત યુવાઓને સ્ટાર્ટ અપ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે અગ્રણી રાજ્ય બન્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારત@૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા માટે આપણું રાજ્ય પણ અમૂલ્ય ફાળો નોંધાવી રહ્યું છે. આજે દરેક ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવી રહ્યું છે, ત્યારે યુવાઓ વધુમાં વધુ રિસર્ચ કરીને દેશના વિકાસમાં પોતાનો મહત્વનો ફાળો આપે તે માટે મંત્રીશ્રીએ આહવાન કર્યું હતું.
આ પણ વાંચો :- ઉંમર 16 વર્ષ કરતાં ઓછી છે? તો અહીં જ ઊભા રેજો, આગળ ન વધતાઃ જાણો ક્યાં જારી થયો હુકમ