સુરતના ડુમસ બીચ ખાતે ‘બીચ વોલિબોલ ટુર્નામેન્ટ’નો પ્રારંભ : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા હાજર


ગુજરાત 36મી નેશનલ ગેમ્સનુ યજમાન બન્યું છે ત્યારે 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતના ડુમસ બીચ ખાતે બીચ વોલિબોલ ટુર્નામેન્ટનો આજે પ્રારંભ થયો છે. હાલ ગુજરાતમાં રમાય રહેલ 36મી નેશનલ ગેમ્સમાં વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજે 6 ઓક્ટો.થી બીચ વોલિબોલ સ્પર્ધા શરૂ થઈ છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યો પ્રારંભ
રાજ્યનાં ગૃહમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ આજે સુરતના ડુમસ બીચ ખાતે બીચ વોલિબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. આ ટુર્નામેન્ટની પ્રથમ બીચ વોલિબોલ મેચ આંધ્રપ્રદેશ અને ગુજરાત વચ્ચે રમાયી હતી. ગૃહ રાજ્યમંત્રીએ આ ટુર્નામેન્ટની નિહાળી હતી અને ખેલાડીઓ સાથે વોલિબોલ રમી તેમને પ્રોત્સાહિત પણ કર્યા હતા.
આ પણ વાંચો : 36મી નેશનલ ગેમ્સઃ વુમન્સ સિંગલ્સ ટેનિસમાં ઝીલ દેસાઈએ જીત્યો ગોલ્ડ
ધારાસભ્ય,મેયર સહિત વિદ્યાર્થીઓ રહ્યાં હાજર
આ પ્રસંગે ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલા, મ્યુ.કમિશનર બંછાનિધી પાની, નાયબ વનસંરક્ષક પુનિત નૈયર, સુડાના ઈ.CEO અરવિંદ વિજયન, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ, વોલિબોલ ફેડરેશનના પ્રતિનિધિઓ સહિત શહેરીજનો, શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ ટુર્નામેન્ટમાં કુલ 12 રાજ્યોની ટીમો લેશે ભાગ
આજે 6 ઓક્ટો.થી શરૂ થયેલી બીચ વોલિબોલ સ્પર્ધા 9 ઓક્ટો. સુધી ડુમસ બીચ પર રમાશે, જેમાં ગુજરાત સહિત તામિલનાડુ, મહારાષ્ટ્ર, ગોવા, તેલંગાણા, કેરળ, દિલ્હી, પોંડીચેરી, ઓડિશા, કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યો સહિત કેન્દ્રશાસિત પ્રદેશ મળીને કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે.