વધુ એક નેપોટિઝમની દિશામાં કરણ જોહર, આ અભિનેતાના દીકરાને કરાવશે ડેબ્યુ


બોલિવૂડનાં પ્રખ્યાત પ્રોડ્યુસર કરણ જોહર અવારનવાર ફેમસ સ્ટાર કિડ્સનું પોતાની ફિલ્મોમાં ડેબ્યૂ કરાવતો રહે છે. આવા વધુ એક નેપોટિઝમના સમાચાર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી આવી રહ્યાં છે. કરણ જોહર હવે સૈફ અલી ખાન અને અમૃતા સિંહનાં પુત્ર ઈબ્રાહિમ અલી ખાનને પોતાની ફિલ્મથી બોલિવૂડ જગતમાં પદાર્પણ કરાવશે. બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન કેમેરા પાછળ તો ખૂબ જ એક્ટિવ રહે છે અને હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે તે ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. જાણવા મળી રહ્યું છે કે કરણ જોહર ઈબ્રાહિમને ઈન્ડસ્ટ્રીમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે. ઇબ્રાહિમ તેની બહેન સારા અલી ખાન સાથે અવારનવાર જોવા મળતો રહે છે.
આ પણ વાંચો : ભારે વિવાદ બાદ શું ખરેખર ‘આદિપુરુષ’ ફિલ્મમાં બદલાયો સૈફ અલી ખાનનો લુક ?

વર્ષ 2023માં ડેબ્યૂ કરશે ઈબ્રાહિમ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈબ્રાહિમ અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ આવતા વર્ષે એટલે કે વર્ષ 2023માં આવી શકે છે, જેનું નિર્દેશન બોમન ઈરાનીના પુત્ર કયોજ ઈરાની કરશે અને કરણ જોહર તે ફિલ્મને પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મની વાર્તા ડિફેન્સ ફોર્સ પર આધારિત હશે. આ સાથે આ ફિલ્મ મોટા બજેટની હશે અને ઈબ્રાહિમ ફિલ્મમાં ખાસ પાત્ર ભજવતો જોવા મળશે. જો કે, આ ફિલ્મ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ,ઈબ્રાહિમ અલી ખાન લાંબા સમયથી પડદા પાછળ કામ કરી રહ્યો છે. ઈબ્રાહિમ અલી ખાને કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં તેને આસિસ્ટ કર્યો છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, શબાના આઝમી, જયા બચ્ચન અને ધર્મેન્દ્ર જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે 28 એપ્રિલે રીલીઝ કરવામાં આવશે.

સૈફની પહેલી પત્નીનાં બાળકો છે સારા અને ઈબ્રાહિમ
અત્રે ઉલ્લેખનીય છે કે ઈબ્રાહિમ અલી ખાન અને સારા અલી ખાન એ સૈફ અલી ખાન અને તેની પહેલી પત્ની અમૃતા સિંહનાં બાળકો છે. ઘણા વર્ષો પહેલા છૂટાછેડા લીધા બાદ બંને અલગ થઈ ગયા છે. સારા અને ઇબ્રાહિમ ઘણી વખત પિતા સૈફ સાથે જોવા મળે છે અને તેમની વચ્ચે સારી બોન્ડિંગ છે. સારાની વાત કરવામાં આવે તો તેણે વર્ષ 2018માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ હતું, જ્યારે ઈબ્રાહિમ અલી ખાન હવે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.