વર્લ્ડ કપ 2023માં કિંગ કોહલીએ 7 કિલોમીટર દોડીને 401 રન બનાવ્યા, જાણો ટોપ-5માં કોના નામ ?
- ભારત સમગ્ર વિશ્વ કપમાં અજેય પ્રદર્શન સાથે ફાઇનલમાં પહોંચી ગયું છે. વિરાટ કોહલીએ સમગ્ર વિશ્વ કપ દરમિયાન પોતાની શાનદાર બેટિંગથી અનેક રેકોર્ડ બનાવ્યા છે.
World Cup 2023: ભારતીય ટીમે 2023 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ફાઇનલમાં પહોંચી. હવે ટીમ ઈન્ડિયા આવતી કાલે એટલે કે રવિવારે (19 નવેમ્બર) ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ભારતીય બેટ્સમેન અને બોલરોએ વર્લ્ડ કપની તમામ મેચોમાં પોતાના પ્રદર્શનથી અમીટ છાપ છોડી છે. એક તરફ સ્પીડસ્ટાર મોહમ્મદ શમીએ માત્ર 6 મેચમાં રેકોર્ડબ્રેક 23 વિકેટ ઝડપી છે, તો બીજી તરફ ભારતીય બેટ્સમેનોએ પોતાના પ્રદર્શનથી ટીમને આખી ટુર્નામેન્ટમાં અજેય રાખવામાં કોઈ કસર છોડી નથી.
રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય બેટ્સમેનો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. વર્લ્ડકપમાં રન બનાવવાના મામલે વિરાટ કોહલી આ યાદીમાં નંબર વન પર છે. વિરાટ કોહલીએ વર્લ્ડ કપની 10 મેચમાં કુલ 711 રન બનાવ્યા છે. સમગ્ર વિશ્વ કપમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનાર બેટ્સમેનોમાં કોહલી પણ પ્રથમ સ્થાને છે, જ્યારે તેના નામે વધુ એક અનોખો રેકોર્ડ છે. વિરાટ કોહલીએ વર્લ્ડ કપમાં બનાવેલા કુલ રનમાંથી લગભગ 56 ટકા રનતો માત્ર દોડીને જ બનાવ્યા છે. હાલના બેટ્સમેનોમાં કોહલીની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થઈ રહી છે, જે શ્રેષ્ઠ પ્લેસમેન્ટ અને ટાઇમિંગ સાથે મેદાનની આસપાસ સ્ટ્રોક રમી શકે છે.
કોહલીએ 7 કિમી દોડીને 401 રન બનાવ્યા છે, બાઉન્ડ્રી વિના રન બનાવવાના મામલે વિરાટ પેલા નંબરે
વર્લ્ડ કપમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં બાઉન્ડ્રી મારવાને બદલે કિંગ કોહલીએ સંપૂર્ણ નિયંત્રણ સાથે દોડીને 401 રન બનાવ્યા છે. 401 રન બનાવવા માટે કોહલીને કુલ 7 કિલોમીટર દોડવું પડ્યું હતું. વર્લ્ડકપ 2023માં દોડીને સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કિંગ કોહલીએ પોતાના નામે કર્યો છે. આ વર્લ્ડ કપમાં કિંગ કોહલીને કોઈ ટક્કર આપી શક્યું નથી.
વર્લ્ડ કપમાં દોડીને રન બનાવવામાં ન્યૂઝીલેન્ડનો ઓપનિંગ બેટ્સમેન બીજા નંબરે:
ન્યૂઝીલેન્ડનો ઓપનિંગ બેટ્સમેન રચિન રવિન્દ્ર બીજા સ્થાને યથાવત છે. સેમીફાઈનલમાં હાર્યા બાદ ન્યૂઝીલેન્ડ બહાર થઈ ગયું હોવા છતાં યુવા બેટ્સમેન રચિન રવિન્દ્રએ પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. આ કિવી બેટ્સમેને વર્લ્ડ કપની 10 મેચોમાં 578 રન બનાવ્યા હતા, જેમાંથી તેણે 4.52 કિલોમીટર દોડીને 256 રન બનાવ્યા હતા, જે કિંગ કોહલી પછી બીજા નંબરે આવે છે.
ડી કોકે 240 રન બનાવ્યા
દૈનિક ભાસ્કરમાં છપાયેલા સમાચાર મુજબ ચેમ્પિયન બેટ્સમેન વિરાટ કોહલી અને રચિન રવિન્દ્ર બાદ દક્ષિણ આફ્રિકાના ટોચના બેટ્સમેન રસી વાન ડેર ડુસેને સૌથી વધુ રન બનાવ્યા. ડુસેને વર્લ્ડ કપની 10 મેચોમાં કુલ 448 રન બનાવ્યા હતા, જેમાંથી 4.31 કિલોમીટર દોડીને 244 રન બનાવ્યા હતા. આ મામલે તેનો સાથી ક્રિકેટર અને વિકેટકીપર બેટ્સમેન ડી કોક ચોથા સ્થાન પર છે. જો કે આ વખતે તે સમગ્ર વર્લ્ડ કપમાં રન બનાવવાના મામલે બીજા નંબર પર છે. ડી કોકે 10 વર્લ્ડ કપ મેચોમાં 594 રન બનાવ્યા છે, જેમાંથી 240 રન 4.24 કિલોમીટર દોડીને બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારનાર શ્રેયસ અય્યર પણ કોઈ બાઉન્ડ્રી વિના 238 રન બનાવ્યા છે, જો અંતર માપવામાં આવે તો આ અંતર કુલ 4.20 કિલોમીટર થાય છે. દોડીને કરીને રન બનાવવાના મામલામાં શ્રેયસ અય્યર પાંચમા સ્થાને છે.
આ પણ વાંચો: ધૂમધામથી થઈ રહ્યું છે વર્લ્ડ કપ ફાઈનલનું આયોજન, જાણો ક્લોઝિંગ સેરેમનીમાં કોણ પરફોર્મ કરશે ?