ચૂંટણી 2024ટોપ ન્યૂઝનેશનલ

વાયનાડમાં રાહુલ ગાંધી અને CPIનાં એની રાજાએ ઉમેદવારીપત્રો ભર્યાં

વાયનાડ (કેરળ), 03 એપ્રિલ: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને CPIના નેતા એની રાજાએ કેરળના વાયનાડ બેઠક પરથી ઉમેદવારીપત્રો ભર્યાં છે. આ પહેલા રાહુલ ગાંધી અને એની રાજાએ જુદા-જુદા સ્થળો પર વાયનાડમાં રોડ શો કર્યો હતો. વાયનાડ સીટ પરથી રાહુલનો મુકાબલો I.N.D.I. ગઠબંધનમાં સામેલ CPIના એની રાજા સાથે થવાનો છે. આ સાથે જ ભાજપે રાહુલ વિરુદ્ધ કે. સુરેન્દ્રનને મેદાનમાં ઉતાર્યા છે.

રાહુલ ગાંધીએ ઉમેદવારી ફોર્મ ભર્યું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે લોકસભા ચૂંટણી 2024 માટે કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા તેમણે બહેન પ્રિયંકા ગાંધી સાથે રોડ શો કર્યો હતો. આ દરમિયાન રાહુલે વિસ્તારના લોકોને કહ્યું કે તમારા સાંસદ બનવું એ સૌભાગ્યની વાત છે. તેમણે વધુમાં કહ્યું કે, વાયનાડના લોકોએ મને પરિવારનો એક ભાગ બનાવી દીધો. વાયનાડના દરેક વ્યક્તિએ મને સ્નેહ, પ્રેમ અને સન્માન આપ્યું છે અને મને પોતાનો ગણ્યો છે.

CPIના નેતા એની રાજાએ ઉમેદવારી નોંધાવી

નામાંકન ભરતી વખતે એની રાજાને રાહુલ ગાંધીના નામાંકન વિશે પૂછવામાં આવ્યું હતું, જેના પર તેમણે કહ્યું કે, મને તેમની બહુમતી કે તેમનું ભાગ્ય શું હશે તેની કોઈ ચિંતા નથી. અમે અહીં લડવા અને ચૂંટણી જીતવા આવ્યા છીએ. હાલમાં હું જે લોકોને મળી તે તમામ લોકોનું કહેવું છે કે, તેમણે ક્યારેય કોંગ્રેસને મત આપ્યો નથી, પરંતુ વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેમને કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે, જેના પછી લોકોએ તેમને વોટ આપ્યા.

રાહુલ ગાંધીએ ઉમેદવારી પહેલા કર્યો રોડ શો

પ્રિયંકા ગાંધી અને કેસી વેણુગોપાલ, દીપા દાસ, કન્હૈયા કુમાર અને રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા વીડી સતીસન અને કેપીસીસીના કાર્યકારી અધ્યક્ષ એમએમ હસન સાથે સવારે 11 વાગ્યે કાલપેટ્ટાથી રોડ શો શરૂ કર્યો. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, તમારા સાંસદ બનવું મારા માટે ગર્વની વાત છે. અહીં એક વ્યક્તિ જંગલી જાનવરનો શિકાર બનવાનો મુદ્દો મોટો છે. તે મેડિકલ કોલેજનો મુદ્દો છે. મેં તમામ મુદ્દાઓ ઉઠાવ્યા છે, મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે પરંતુ કંઈ થયું નથી. જ્યારે કેન્દ્ર અને કેરળમાં અમારી સરકાર હશે, ત્યારે અમે તમારા બધા પ્રશ્નો હલ કરીશું. પછી તે UDF હોય કે LDF, દરેક જણ મારા પરિવારની જેમ છે. વિચારધારાનો તફાવત હોય તો પણ. છેલ્લા પાંચ વર્ષમાં મને તમારી પાસેથી ઘણું શીખવા મળ્યું છે.

આ પણ વાંચો: વાયનાડથી ભાજપના ઉમેદવાર કે. સુરેન્દ્રન સામે 242 કેસ દાખલ, રાહુલ ગાંધી સામે લડશે ચૂંટણી

Back to top button