ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની આજે મહત્વની બે બેઠક, ભાજપના પ્રભારી પણ ગુજરાત મુલાકાતે
ગુજરાત વિધાનસભા મિશન 2022 અંતર્ગત કોંગ્રેસની આજે મહત્વની બે બેઠક મળશે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અને રાજસ્થાનના CM અશોક ગેહલોત હાજર રહેશે. રાષ્ટ્રીય કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલની અધ્યક્ષતામાં બેઠક થશે. બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીની જવાબદારીઓ તેમજ ધારાસભ્યોની જવાબદારી અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા થશે. આ ઉપરાંત ચૂંટણી પ્રચાર અર્થે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓના ગુજરાત પ્રવાસનું આયોજન અંગે પણ ચર્ચા થશે. બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી સંદર્ભે પણ આ ચર્ચા થઈ શકે છે.
પહેલી બેઠક બપોરે મળશે
કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્મા અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર બેઠકમાં હાજર રહેશે. ગુજરાત કોંગ્રેસના તમામ અગ્રણી નેતાઓ અને ધારાસભ્યો સાથે પણ બેઠક મળશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આ બેઠક બપોરે મળશે.
ધારાસભ્યો સાથેની બેઠક રાતના સમયમાં મળશે
આ ઉપરાંત અશોક ગેહલોત અને વેણુગોપાલ પક્ષના ધારાસભ્યો સાથે રાત્રે વિપક્ષના નેતાના નિવાસ્થાને ધારાસભ્યોની બેઠક કરશે. ધારાસભ્યો ગેહલોત અને વેણુગોપાલ સમક્ષ પોતાની રજૂઆત કરશે. ચૂંટણીમાં ધારાસભ્યોની ઉમેદવારીને લઈ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.
ભાજપના પ્રભારી પણ ગુજરાત મુલાકાતે
કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ આજે ગુજરાત આવશે. ચૂંટણી પહેલા કેન્દ્રીય નેતાઓનો ગુજરાત પ્રવાસ વધ્યો છે. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષના ગુજરાત પ્રવાસ બાદ પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ભુપેન્દ્ર યાદવ આજે સાંજે એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ ભાજપ સંગઠનાત્મક બેઠકોમાં પણ પ્રભારી ભુપેન્દ્ર યાદવ હાજર રહી શકે છે.