વલસાડમાં બારે મેઘ ખાંગા, 2 કલાકમાં 3 ઈંચ વરસાદથી ચારેબાજુ પાણી પાણી, સ્કૂલ-કોલેજમાં રજા જાહેર
વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વલસાડ શહેરમાં છેલ્લા બે કલાકમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ પડતાં શહેરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાય ગયા છે. વલસાડના છીપવાડ, દાણા બજાર, તિથલ રોડ, મોગરવાડી અંદર પાસ, છીપવાડ અંદર પાસ વલસાડ ધરમપુર સ્ટેટ હાઇ-વે પર પાણી ભરાઈ ગયા છે. તો ભારે વરસાદને પગલે વલસાડમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. તો વલસાડ-નાસિક સ્ટેટ હાઈવે પર ઘૂંટણ સમા પાણી ભરાય ગયા છે.
વલસાડની શાળા-કોલેજો, આંગણવાડી અને ITIમાં રજા જાહેર
હવામાન વિભાગની આગાહીના પગલે વલસાડ જિલ્લાની શાળા, કોલેજ, ITI અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
પ્રિ-મોનસૂનની કામગીરી પર પાણી ફરી વળ્યાં
શહેરમાં 2 કલાક માં 3 ઇંચ વરસાદ પડતાં શહેરના રસ્તાઓ નદીમાં પરિવર્તન થયા હતા, તો પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી પડી હતી. સ્થાનિક લોકો દ્વારા પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પર રોષ ઠાલવ્યો હતો. શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો અટવાયા હતા. તો અંદર પાસમાં પીકપ ટેમ્પો અને ઇકો કાર ફસાતા સ્થાનિકો દ્વારા અન્ય મોટા વાહનો સાથે બાંધીને બહાર કાઢવામાં આવ્યા હતા.
શહેરના અંડર પાસમાં ભરાયા પાણી
વલસાડમાં પડી રહેલા અવિરત વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો અન્ય વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા છે. અંડરપાસમાં પાણી ભરાતા ચારથી વધુ વાહનો ફસાઇ ગયા હતા જે બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંડરપાસ બંધ કરાયો છે.