વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી ચર્ચામાં, ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે દર્દીના ટાંકા લીધા
વડોદરા, 05 ઓગસ્ટ 2024, સયાજી હોસ્પિટલ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાં અંગે ફરીવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સનો ડ્રાઈવર રાત્રિના સમયે એક દર્દીના પગમાં ટાંકા લઈ રહ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થયો છે. આ વીડિયોને જોતાં હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ દ્વારા તપાસના આદેશ અપાયા છે.આ ઘટના અંગે સુપ્રિટેન્ડેન્ટે મીડિયાને જણાવ્યું હતું કે, આ વીડિયો ક્યારનો છે અને તે દિવસે ફરજ પર કોણ હાજર હતું? આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. દર્દીને ટાંકા લેવાની સાધન-સામગ્રી કોણે આપી તે અંગે પણ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.
View this post on Instagram
સુપ્રિટેન્ડેન્ટે તપાસ કરવાના આદેશ આપી દીધા
વડોદરાની સયાજી હોસ્પિટલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થતાં હોસ્પિટલ ફરી ચર્ચામાં આવી છે. વાયરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે, એક ખાનગી એમ્બ્યુલન્સનો ડ્રાઈવર ફરજ પરના તબીબની જેમ દર્દીના ટાંકા લઈ રહ્યો છે. આ વીડિયો વાઇરલ થતાં તંત્ર એક્શનમાં આવ્યું છે. એમ્બ્યુલન્સ કોની માલિકીની છે અને તે ડ્રાઈવર કોણ હતો? તે બાબતે સુપ્રિટેન્ડેન્ટે તપાસ કરવાના આદેશ આપી દીધા છે. શહેરમાં આ પ્રકારે દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તો તે બાબતે જવાબદાર કોણ બનશે? તેના પર સવાલો ઊભા થાય છે.
ટાંકા લેવાના સાધનો આપનાર સામે પણ કાર્યવાહી થશે
આ અંગે સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રંજન ઐયરે મીડિયાને જણાવ્યું હતું કે, હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો મારા ધ્યાને આવ્યો છે. પરંતુ વીડિયોને કેટલાક લોકો જૂનો તો કેટલાક તાજેતરનો હોવાની વાત કરે છે. વીડિયોમાં દેખાતો કોઈ અનઅધિકૃત વ્યક્તિ એક ઈજાગ્રસ્ત દર્દીના ટાંકા લઇ રહ્યો છે. વીડિયોમાં દેખાતી જગ્યા અમારા જ વિભાગનો હિસ્સો છે.આ અનઅધિકૃત વ્યકિતને ટાંકા લેવાના સાધનો કોણે આપ્યાં? તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. આ વ્યક્તિ દ્વારા દર્દીના ટાંકા લેવામાં આવ્યા છે, તે દર્દી તરફથી કોઈ ફરિયાદ મળી નથી. તપાસ કરીને દોષિતોને સજા કરીશું.
આ પણ વાંચોઃમુખ્યમંત્રીએ ગુજરાતની 31 નગરપાલિકાઓને સિટી સિવિક સેન્ટરની ભેટ આપી