બે દિવસમાં સમગ્ર દેશમાં થશે વરસાદ, આ રાજ્યોમાં ભારે આગાહી
- હવામાન વિભાગે આ 18 રાજ્યોમાં 3 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હીમાં આગામી સાત દિવસ સુધી વાવાઝોડા સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
દિલ્હી, 30 જૂન: પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે. પહાડી રાજ્યોમાં વરસાદને કારણે ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ છે, જ્યારે મેદાની રાજ્યોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. અરુણાચલ પ્રદેશમાં ટેલિફોન લાઈનો તૂટી ગઈ છે. હવામાન વિભાગે દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ ભારતના 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે કહ્યું કે ઉત્તર-પૂર્વ રાજસ્થાન, પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ યુપી પર ચક્રવાતની સ્થિતિ છે. જેના કારણે શનિવારે હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો હતો. ચોમાસું પૂર્વ અને પશ્ચિમ યુપીના કેટલાક વધુ વિસ્તારોમાં આગળ વધ્યું છે અને બે દિવસમાં સમગ્ર દેશમાં પહોંચી જશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આસામ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક સહિત પૂર્વોત્તરના તમામ રાજ્યો અને પી. બંગાળ, કેરળ, તમિલનાડુના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આ રાજ્યોમાં 3 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હીમાં આગામી સાત દિવસ સુધી વાવાઝોડા સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઉત્તર-મધ્યને છોડી તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ, ભારે વરસાદની શક્યતા