જામનગરની તિરૂપતિ સોસાયટીમાં ઈલેક્ટ્રીક વ્યવસાય સાથે સંકળાયેલા યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાધો


જામનગરઃ તિરુપતિ સોસાયટીમાં રહેતા અને ઇલેક્ટ્રિક વ્યવસાય સાથે સંકળાયેલ યુવાને ગળાફાસો ખાઈ આપઘાત કર્યો છે. પોલીસે આ બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. જામનગર શહેરમાં યુવતીએ વધતા જતા આપઘાતના બનાવમાં વધુ એક બનાવ ઉમેરાયો છે. ઇલેક્ટ્રિક વ્યવસાય સાથે સંકળાયેલા એક યુવાને આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, તિરૂપતિ સોસાયટીમાં હનુમાનજીના મંદિર પાસે રહેતા દિવ્યેશભાઈ અશોકભાઈ અમેરીયા નામના 21 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘરે બપોરથી સાંજ સુધીના ગાળા દરમિયાન પંખા સાથે દુપટ્ટો બાંધી અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. આ બનાવ અંગે મૃતકના માતા હંસાબેને જાણ કરતાં સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પોલીસને આ ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ મામલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ બનાવ અંગે મૃતકના માતા હંસાબેને પોલીસમાં નિવેદન આપ્યું હતું. જેમાં પોતાના પુત્ર કરેલા આપઘાત પાછળ કોઈ સ્પષ્ટ કારણ જાહેર કર્યું ન હતું. પોલીસે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ યુવાને આપઘાત કરી લીધો હોવાનું નિવેદન નોંધી બનાવનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.