
- 46 હજાર જેટલી મામૂલી રકમનું વીજ બિલ ભરાયુ નથી
- પ્રદર્શની કે ડોક્યુમેન્ટરી નિહાળ્યા વગર પ્રવાસીઓ પરત ફરવા મજબૂર બન્યા
- મુખ્યમંત્રીને પત્ર પાઠવીને વીજ પુરવઠો પુનઃ યથાવત્ કરવા રજૂઆત કરાઇ
વર્લ્ડ હેરિટેજ ધોળાવીરા મ્યુઝિયમનું વીજ બિલ નહીં ભરાતા કનેક્શન કટ કરવામાં આવ્યા છે. જેમાં જી-20 માટે લાખોનો ખર્ચ પણ વીજ બિલના રૂ.46 હજાર નીકળતા નથી. તથા પ્રદર્શની કે ડોક્યુમેન્ટરી નિહાળ્યા વગર પ્રવાસીઓ પરત ફરવા મજબૂર બન્યા છે. તેમાં મુખ્યમંત્રીને પત્ર પાઠવીને વીજ પુરવઠો પુનઃ યથાવત્ કરવા રજૂઆત કરાઇ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં રેલવે નેટવર્ક માટે 30 વર્ષનો માસ્ટર પ્લાન બનાવાશે
46 હજાર જેટલી મામૂલી રકમનું વીજ બિલ ભરાયુ નથી
યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે તેવી હડપ્પીય સંસ્કૃતિની ધરોહરને સાચવી બેઠેલા ધોળાવીરામાં દેશ-વિદેશથી પ્રવાસીઓ આવી રહ્યાં છે અને તેના વિકાસની અનેક યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવે છે, પરંતુ સિક્કાની બીજી બાજુ કડવી વાસ્તવિક્તા તો એ છે કે, 46 હજાર જેટલી મામૂલી રકમનું વીજ બિલ નહીં ભરાતા વર્લ્ડ હેરિટેજ ધોળાવીરાના મ્યુઝિયમનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યું છે. તેના કારણે દૂર-દૂરથી આવતા પ્રવાસીઓને પ્રદર્શની તેમજ સિંધુ સંસ્કૃતિના દર્શન કરાવતી ડોક્યુમેન્ટરી, લેઝર શો સહિત નિહાળ્યા વિના જ પરત ફરવું પડી રહ્યું છે.
મુખ્યમંત્રીને પત્ર પાઠવીને વીજ પુરવઠો પુનઃ યથાવત્ કરવા રજૂઆત
અલબત, ધોળાવીરાના મ્યુઝિયમનું વીજ કનેક્શન કટ કરવાના મામલે કચ્છના જનપ્રતિનિધિઓ સદંતર અંધારામાં હોય તેમ કનેક્શન પૂર્વવત્ કરવાના મુદ્દે કોઈ રજૂઆત કરે તે પૂર્વે પાટણના ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર પાઠવીને વીજ પુરવઠો પુનઃ યથાવત્ કરવા રજૂઆત કરી છે.
ડોક્યુમેન્ટરી નિહાળવા ઉપરાંત પીવાના પાણીથી લઈને અનેક મુશ્કેલીઓ
મુખ્યમંત્રીને લખેલા પત્રમાં પટેલે જણાવ્યું હતું કે, ખૂબ જ દુઃખ અને વેદના સાથે જણાવી રહ્યો છું કે, છેલ્લા ત્રણ દિવસથી વર્લ્ડ હેરિટેજ ધોળાવીરાના મ્યુઝિયમના ખાતે સમયસર વીજળી બિલ ન ભરાતા વીજ કંપનીએ કનેક્શન કાપી નાખેલ છે, જેના કારણે પ્રવાસીઓને પ્રદર્શની તેમજ ડોક્યુમેન્ટરી નિહાળવા ઉપરાંત પીવાના પાણીથી લઈને અનેક મુશ્કેલીઓ પડી રહી છે. જી-ર0 માટે લાખો રૂપિયાના ખર્ચે અહીં રોડ નિર્માણ કરાયું છે તે સારી બાબત છે, પરંતુ વીજ બિલની મામૂલી રકમ સરકાર દ્વારા ભરી શકાતી નથી. આ અંગે સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. પીજીવીસીએલના બાલાસર સબ સ્ટેશનના નાયબ કાર્યપાલક ઈજનેર અશોકભાઈ ગામિતે 46 હજારના બાકી વીજ બિલ મામલે કનેક્શન કટ કરવામાં આવ્યું હોવાની વાતને સમર્થન આપ્યું હતું.