ભારતના આ મંદિરમાં ધન તેરસે થાય છે ભીડઃ દર્શન માત્રથી જ થશે ધન વર્ષા!
- ભારતમાં માતા લક્ષ્મીનું એક એવું મંદિર છે, જ્યાં ધનતેરસના ખાસ દિવસે દર્શન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. રાજસ્થાનમાં આવેલા આ મંદિરમાં તહેવારોમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે.
હિંદુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી કહેવાય છે. મુખ્ય રીતે માતા લક્ષ્મીની પૂજા-આરાધના ધનતેરસ અને દિવાળીના દિવસે કરવામાં આવે છે. આ શુભ અવસરે દુનિયાભરના લોકો માતાની આરાધના કરે છે. આ વર્ષે દિવાળી 12 નવેમ્બર, 2023ના રોજ ઉજવવામાં આવશે. 10 નવેમ્બરના રોજ ધનતેરસ ઉજવાશે. ધનતેરસ એ ખાસ દિવસ છે જ્યારે લોકો લક્ષ્મીજીના મંદિરોમાં પૂજા-અર્ચના અને દર્શન માટે જાય છે. દેશના અલગ અલગ ભાગમાં દેવી માના કેટલાય એવા મંદિર છે, જ્યાં રોજ લાખો ભક્તોની ભીડ રહે છે. એક મંદિર એવું પણ છે જેના વિશે એવી માન્યતા છે કે ધનતેરસના દિવસે તે મંદિરના દર્શન કરવાથી ભક્તો ઉપર ધનની વર્ષા થાય છે. આ મંદિર કૈલા દેવીના નામથી જાણીતું છે. આ વિશેષ મંદિર રાજસ્થાનના કરોલી જિલ્લાથી લગભગ 24 કિલોમીટર દૂર ત્રિકુટ પર્વત પર આવેલું છે.
મંદિરનો ઇતિહાસ
કૈલા દેવી મંદિરનો ઇતિહાસ વર્ષો જૂનો છે. આ મંદિરને લઇને લોકોનું માનવું છે કે તેની ઇંટ મહારાજા ગોપાલ સિંહે રાખી હતી. કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે તેનું નિર્માણ કાર્ય 1723થી લઇને 1930 સુધી ચાલ્યું હતું. કાલીસિંઘ નદી તટ પર વસેલું આ મંદિર જુના સમયથી લઇને આજ સુધી લોકોની વચ્ચે વિશેષ સ્થાન ધરાવે છે.
મંદિરને લઇને પૌરાણિક માન્યતા
પૌરાણિક કથા અનુસાર કૈલા દેવી ભગવાન કૃષ્ણની બહેન છે. એવું કહેવાય છે કે જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થયો ત્યારે અન્ય એક છોકરી પણ જન્મી હતી, જે આગળ જતા કૈલા દેવી નામથી ઓળખાઇ. લોકકથા અનુસાર કંસ જ્યારે માતા યશોદાના આઠમા સંતાનને મારવા આવે છે ત્યારે તે પુત્રી કૈલા દેવી પ્રકટ થઇને કંસને કહે છે, તારા કાળે જન્મ લઇ લીધો છે. આ વાતને કહ્યા બાદ કૈલા દેવી અંતર્ધ્યાન થઇ જાય છે. માન્યતા અનુસાર કૈલા તે સ્થાનને છોડીને રાજસ્થાનના ત્રિકુટ પર્વત પર વિરાજમાન થાય છે.
આ પણ વાંચોઃ દિવાળી આવી, ફટાકડાના ધૂમાડાથી બચવા અસ્થમાના દર્દીઓ રાખે કાળજી