
- સોનાની કિંમતી વસ્તુ પહેરીને નીકળતાં નહીં – નકલી પોલીસ
- બાઈક સવાર શખસે પોલીસનું આઈ કાર્ડ બતાવ્યું
- સીસીટીવી ફુટેજના આધારે શોધખોળ શરુ
વડોદરામાં મકરપુરા GIDCમાં નકલી પોલીસે રૂા.1.25 લાખના દાગીના પડાવ્યાં છે. જેમાં ડૉગને બિસ્કિટ ખવડાવી રહેલા સિનિયર સિટીઝનને ટાર્ગેટ બનાવ્યા છે. તેમાં નકલી પોલીસે કહ્યું દાદા તમે સોનાની ચેન, વીંટી પહેરીને કેમ ફરો છો ? જેમાં માંજલપુર પોલીસે નકલી પોલીસ સામે ગુનો નોંધીને સીસીટીવી ફુટેજના આધારે શોધખોળ શરુ કરી છે.
બાઈક સવાર શખસે પોલીસનું આઈ કાર્ડ બતાવ્યું
શહેરના મકરપુરા જી.આઈ.ડી.સી.માં નકલી પોલીસે સ્ટ્રીટ ડૉગને બિસ્કીટ ખવડાવી રહેલાં એક સિનિયર સિટીઝનને ટાર્ગેટ બનાવીને રૂ.1.25 લાખની કિંમતના સોનાના દાગીના પડાવી લીધા હતા. બાઈક સવાર શખસે પોલીસનું આઈ કાર્ડ બતાવીને કહ્યું હતુ કે, દાદા તમે ઉંમરલાયક છો, ગળામાં ચેન અને વિટી પહેરીને કેમ ફરો છો, શહેરમાં ચોરીના બનાવો બને છે. એક કાગળની પડિકીમાં દાગીના મુકવાનો ડોળ કરીને ચેન અને વિટી લઈને છુમંતર થઈ ગયો હતો. માંજલપુર પોલીસે આ ઘટના અંગે તપાસ શરુ કરી છે.
સોનાની કિંમતી વસ્તુ પહેરીને નીકળતાં નહીં
માંજલપુર ચંદ્રલોક સોસાયટી પાસેની વામિન સોસાયટીમાં રહેતાં મહેન્દ્રભાઈ હીરાભાઈ શાહ (ઉ.વ.72) મકરપુરા જી.આઈ.ડી.સી.માં આવેલી ભાવિકા એન્જિનિયરીંગ કંપનીમાં નોકરી કરે છે. નોકરીનો સમય સવારે 9 થી સાંજે 6 સુધીનો છે. રોજીંદા નિત્યક્રમ પ્રમાણે ગુરુવારે સવારે ઘરેથી એક્ટીવા લઈને નીકળ્યાં હતા. સવારે આશરે 9-15 વાગે ભાવિકા એન્જિ.કંપની બહાર એક્ટીવા પાર્ક કરીને સ્ટ્રીટ ડૉગને બિસ્કીટ ખવડાવતા હતા આ અરસામાં એક બાઈક પર અજાણ્યો શખસ આવ્યો હતો. જેણે ખીસ્સામાંથી આઈ કાર્ડ કાઢીને બતાવ્યુ હતુ અને પોલીસ તરીકે ઓળખ આપી હતી. દાદા તમે ઉંમરલાયક છો, ચેન અને વિટી પહેરીને કેમ પહેરો છો, શહેરમાં ચોરીના બનાવો બને છે હવે પછી સોનાની કિંમતી વસ્તુ પહેરીને નીકળતાં નહીં.
સીસીટીવી ફુટેજના આધારે શોધખોળ શરુ
આ અરસામાં એક અન્ય રાહદારી પણ ચાલતો ત્યાંથી પસાર થઈ રહયો હતો. પોતાની જાતને પોલીસ તરીકે ઓળખાવનારા શખસે તેને પણ રોકયો હતો અને સોનાના દાગીના પહેરીને નહીં નીકળાનું જણાવ્યુ હતુ. નકલી પોલીસે તેના ખીસ્સામાંથી એક કાગળ કાઢયો હતો અને બન્ને જણા પાસે દાગીના કઢાવ્યા હતા અને કાગળની પડિકીમાં મુકવાનો ડોળ કરીને મહેન્દ્રભાઈની પડિકીમાંથી દાગીના કાઢી લીધા હતા અને ગઠિયો બાઈક ઉપર બેસીને ફરાર થઈ ગયો હતો. માંજલપુર પોલીસે નકલી પોલીસ સામે ગુનો નોંધીને સીસીટીવી ફુટેજના આધારે શોધખોળ શરુ કરી છે.