
- આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ 15મી વિધાનસભાનું પ્રથમ બજેટ રજૂ કરશે
- નાણામંત્રી કનુભાઈ દેસાઈ પોતાના કાર્યકાળનું બીજુ બજેટ 11 કલાકે કરશે રજૂ
- સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો દ્વારા રાજ્યમા નાગરિકોને મળી શકે છે સરકાર તરફથી મોટી ભેટ
આજે ગુજરાતનું બજેટ સવારે 11 કલાકે રજૂ થવાનું છે અને આ બજેટ ફુલ ગુલાબી રહેશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતી મેળવીને જીત મેળવનાર ભાજપ સરકાર દ્વારા આજે રજૂ કરવામાં આવનાર બજેટમાં આગામી સમયમાં આવી રહેલી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટમાં તેની અસર જોવા મળી શકે છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડાની ભેટ આપશે કે કેમ તેના પર સૌ કોઈની નજર છે.
આ પણ વાંચો : ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના ઐતિહાસિક બજેટની તૈયારીઓ શરૂ
આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ 15મી વિધાનસભાનું પ્રથમ બેજટ રજૂ કરવાના છે. આ બજેટમાં સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરીને સરકાર રાજ્યના નાગરિકોને મોટી ભેટ આપી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય સ્વાસ્થ્ય સેવાઓને અનુલક્ષીને કેટલાક મહત્વના નિર્ણયો આ બજેટમાં લેવાઈ શકે છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ આજે પોતાના કાર્યકાળનું બીજુ બજેટ રજૂ કરવાના છે. વિઘાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો જીતીને ભાજપે તમામ જૂના રેકોર્ડ્સ તોડ્યા હતા, હવે તેની અસર બજેટમાં પણ જોવા મળી શકે છે.
બજેટમાં સ્ટેમ્પ ડ્યુટી અંગે લેવાશે મોટો નિર્ણય?
ચૂંટણી ઢંઢેરામાં જે મુદ્દાઓ ઉલ્લેખવામાં આવ્યા હતા તેને પણ આજના બજેટમાં આવરી લેવામાં આવશે. એક તરફ જંતરીનો માર પ્રજા પર ઝીંકવામાં આવ્યો છે તો સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે છે કે નહીં તેના પર સૌ કોઈની નજર રહેશે. રિયલ એસ્ટેટ સેક્ટર તરફથી સરકાર પર દબાણ કરવામાં આવી રહ્યું છે અને તેની અસર બજેટમાં જોવા મળશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
લોકસભાની ચૂંટણીની અસર બજેટમાં જોવા મળશે?
વર્ષ 2024 લોકસભાની ચૂંટણી આવી રહી છે. ગુજરાતમાં ભાજપ બે ટર્મથી તમામ 27 બેઠકો પરથી ઉમેદવારોને જીતાડીને દિલ્હી મોકલી રહ્યું છે, ત્યારે આ વર્ષે પણ આ જાદૂને યથાવત રાખવા માટે બજેટમાં કેટલાક મુદ્દાઓનું ધ્યાન રાખવામાં આવશે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વર્ષના બજેટમાં ગુજરાતની પ્રજા પર વેરાનું ભારણ નાખવામાં નહીં આવે તેવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. આ સિવાય કેટલીક લહાણી પણ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો : 15મી વિધાનસભાનું આજે પ્રથમ બજેટ, નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે અંદાજપત્ર
કોંગ્રેસે વિધાનસભામાં હોદ્દેદારોની વરણી કરી
કોંગ્રેસે બજેટસત્રના આગલા દિવસે એટલે શુક્રવારે વિધાનસભામાં હોદ્દેદારોની વરણી કરી છે. જેમાં દંડક, ઉપદંડક, ખજાનચી અને પ્રવક્તાની નિમણૂક કરવામાં આવી છે. વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાને દંડક બનાવવામાં આવ્યાં છે. જ્યારે ઉપ દંડક તરીકે કિરીટ પટેલ, વિમલ ચુડાસમા, ઈમરાન ખેડાવાલાની વરણી કરવામાં આવી છે. દિનેશભાઈ ઠાકોરને કોંગ્રેસના ખજાનચી બનાવવામાં આવ્યા છે. જ્યારે ડો.તુષાર ચૌધરી, જીગ્નેશ મેવાણી, ગેનીબેન ઠાકોર, અનંત પટેલ અને કાંતિભાઈ ખરાડીની પ્રવક્તા તરીકે નિમણૂંક કરવામાં આવી છે.