પશ્ચિમ યુપીની આ 5 બેઠકો પર બીએસપીએ ભાજપની રણનીતિ પર ફેરવી નાખ્યું પાણી
- BSP ઈન્ડી ગઠબંધનમાં ન જોડાવાને ભાજપને લાગી રહ્યું હતું કે પશ્ચિમ યુપીમાં ત્રિકોણીયો જંગ થશે. ઉત્તર પ્રદેશમાં હવે ત્રિકોણીયો જંગ તો નક્કી થશે, પરંતુ ભાજપને બસપાના ઉમેદવારોથી ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે
પશ્વિમ યુપી, 3 એપ્રિલ: જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય વર્તુળો બદલાઈ રહ્યા છે. પશ્વિમ યુપીની જો વાત કરીએ તો BSP સુપ્રીમો માયાવતી લોકસભા ચૂંટણીને લઈને ઘણા સમયથી શાંત જોવા મળતા હતા, જેના કારણે પશ્વિમ યુપીમાં રાજકીય વર્તુળોમાં ભાજપની તરફેણમાં માનવામાં આવી રહ્યું હતું. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના સમર્થકોને પણ એવું લાગી રહ્યું હતું કે માયાવતી ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહી છે. લોકસભા ચૂંટણીને લઈને બસપામાં કોઈ હલચલ ન જોતા સામાન્ય લોકો પણ માની રહ્યા હતા કે લોકસભા ચૂંટણીમાં બસપા જાણી જોઈને આવું વર્તન કરી રહી છે. આ પછી, ઘણા દિવસોથી કહેવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ અને બસપાના નેતાઓ સંપર્કમાં છે. થોડા દિવસોથી તો એવી ચર્ચા થઈ રહી હતી કે ઈન્ડી ગઠબંધન માયાવતીને પીએમ પદના ઉમેદવાર જાહેર કરી શકે છે. પરંતુ એવું કંઈ બન્યું નહીં. હવે લોકસભા ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ મોટાભાગની બેઠકો પર દરેક પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે, અનેક બેઠકો પર ઉમેદવારો જાહેર પણ થઈ ગયા છે. BSPએ પણ પશ્વિમ યુપીમાં પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે જેને લીધે રાજકીય વર્તુળો જે બીજેપીની તરફેણમાં માનવામાં આવતી હતી તે બદલાઈ છે. BSP દ્વારા પશ્ચિમ યુપીની આ 5 બેઠકો પર જે ઉમેદવારો ઉભા રાખ્યા છે તે ચોક્કસપણે ભાજપની ચિંતા વધારી રહ્યા છે.
1. મેરઠમાં અરુણ ગોવિલની મુશ્કેલી વધારશે બસપા ઉમેદવાર દેવવ્રત ત્યાગી
મેરઠ લોકસભા સીટ માટે ભાજપે ટીવીના રામ અરુણ ગોવિલને ઉમેદવાર જાહેર કર્યા છે જ્યારે સમાજવાદી પાર્ટીએ અતુલ પ્રધાનને ઉમેદવાર બનાવ્યા છે. મેરઠમાં લગભગ 37 ટકા મતદારો મુસ્લિમ છે. ત્યારે અહીં હાર કે જીતમાં મુસ્લિમ મતદારો સૌથી નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એવી અપેક્ષા હતી કે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી બંને અહીંથી મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. પરંતુ થયું તેનાથી વિપરીત, બંને પક્ષોએ અહીંથી હિંદુ ઉમેદવારો જાહેર કર્યા છે. બહુજન સમાજવાદી પાર્ટીએ અહીંથી દેવવ્રત ત્યાગીને મેદાનમાં ઉતાર્યા છે. દેવવ્રત ત્યાગી ઉચ્ચ જાતિના હિંદુ છે. સ્વાભાવિક છે કે જો તેઓ ઉમેદવાર ન બન્યા હોત તો મેરઠના લગભગ 41 હજાર ત્યાગીઓના વોટ ભાજપને મળોત. પરંતુ જો બસપાના ઉમેદવારને તેના સમુદાયના 10 હજાર વોટ પણ મળે છે તો ભાજપને મોટું નુકસાન થશે. અગાઉ સપા અને બસપા બંને પક્ષો મેરઠની બેઠક પર મુસ્લિમ ઉમેદવારોને જ મેદાનમાં ઉતારી હતી. અહીંથી અનેક મુસ્લિમ સાંસદો ચૂંટાયા છે. 2019માં બસપાના યાકુબ કુરેશી ભાજપના રાજેન્દ્ર અગ્રવાલ સામે માત્ર ચાર હજાર મતોથી જ હાર્યા હતા. સામાન્ય રીતે પણ જો જોવા જઈએ તો બસપા મેરઠ બેઠક પર બીજેપીને લોકસભામાં ખરાબ રીતે નડી શકે છે.
2. બિજનૌરમાં BSPના જાટ ઉમેદવાર NDAનો બગાડશે ખેલ
બિજનૌર લોકસભાનો ચૂંટણી ઇતિહાસ દલિત નેતાઓ સાથે જોડાયેલો છે. પૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમાર અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી પણ એક વખત અહીંથી સાંસદ રહી ચૂક્યા છે. પરંતુ રામ મંદિર આંદોલન એટલે કે 1991થી લઈને અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીએ ચાર વખત આ સીટ પર કબજો કર્યો છે. જો કે સમાજવાદી પાર્ટીએ આ સીટ બે વખત જીતી છે, જ્યારે આરએલડી એક વખત. હાલમાં આ સીટ પર બસપાનો કબજો છે. મલુક નાગર અહીંથી સાંસદ છે.
બીજેપીએ બિજનૌર સીટ તેના સહયોગી આરએલડીને આપી છે. આરએલડીના ઉમેદવાર ચંદન ચૌહાણ અહીંથી એનડીએના ઉમેદવાર તરીકે પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જ્યારે સમાજવાદી પાર્ટીએ દીપક સૈનીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. બસપાએ અહીં પણ જોરદાર દાવ ખેલ્યો છે. પાર્ટીએ અહીંથી જાટ ઉમેદવાર ચૌધરી વીરેન્દ્ર સિંહને ટિકિટ આપી છે. NDAએ ગુર્જર ઉમેદવાર ઉતાર્યા હોવાથી સ્વાભાવિક છે કે BSPના જાટ ઉમેદવારને સ્થાનિક જાટોનું સમર્થન મળી શકે છે. જાટોના વોટ આરએલડીને જાય છે એ વાત સાચી છે, પરંતુ યુપીના રાજકારણનું વલણ એ છે કે જો તેમની જ જ્ઞાતિનો ઉમેદવાર કોઈ અન્ય પક્ષનો હોય તો તે જાતિના લોકો બીજી પાર્ટીમાં જાય છે.
બિજનૌરમાં લગભગ 4.5 લાખથી 5 લાખ મુસ્લિમ મતદારો છે. અહીં આસપાસ દલિત મતદારો પણ છે. અહીં લગભગ દોઢથી અઢી લાખ જાટ મતદારો છે. ગુર્જર મતો સૌથી ઓછા છે, લગભગ 50 થી 75,000 છે. આ કારણે અહીં મુસ્લિમો અને દલિતો નિર્ણાયક મતદારો છે. જો બસપાએ કોઈપણ મુસ્લિમ, દલિત કે પછાત જાતિને ટિકિટ આપી હોત તો ભાજપે જેમ વિચાર્યું હતું તેવી જ રીતે તેમને ફાયદો થઈ શકોત પણ એવું થયું નથી.
3. મુઝફ્ફરનગર, જાટ- મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠક પર કોઈ મુસ્લિમ ઉમેદવાર નથી
ભાજપે ત્રીજી વખત મુઝફ્ફરનગરથી પોતાના જાટ ચહેરા સંજીવ બાલ્યાનને મેદાનમાં ઉતાર્યા છે. તેમની સ્પર્ધા સમાજવાદી પાર્ટીના શક્તિશાળી જાટ નેતા ચૌધરી હરેન્દ્ર સિંહ સામે છે. 2013માં મુઝફ્ફરનગર રમખાણો બાદ આ સીટ ભાજપને જ જઈ રહી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સંજીવ બાલ્યાએ એકતરફી જીત મેળવી હતી. તે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બસપાના ઉમેદવાર કદિર રાણાને લગભગ 2.5 લાખ મતોથી હરાવ્યા હતા. 2019માં પણ આવી જ સ્થિતિ હતી જ્યારે SP-BSP અને RLDના સંયુક્ત ઉમેદવાર અગ્રણી જાટ નેતા અજીત સિંહને પણ અહીંથી ચૂંટણી હારવી પડી હતી અને બીજેપીના ડો.સંજીવ બાલ્યાને ફરી એકવાર અહીં જીત મેળવી હતી. પરંતુ આ જીત ઘણા ઓછો 6526 મતોથી મેળવી હતી. પરંતુ આ વખતે આરએલડી પણ તેમની સાથે છે.
ભાજપને આશા હતી કે બસપા ફરી એકવાર અહીંથી મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતારશે પરંતુ એવું થયું નહીં. બીએસપીના કાદિર રાણા 2009માં અહીંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2014માં પણ તે બીજા ક્રમે રહ્યા હતા. આંકડા દર્શાવે છે કે મુસ્લિમો અહીંથી સાત વખત સાંસદ બન્યા છે. આમ છતાં સમાજવાદી પાર્ટી કે બસપાએ અહીંથી મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા નથી. હવે જો હરેન્દ્ર મલિકને એકતરફી મુસ્લિમ મતો મળશે તો સ્વાભાવિક રીતે જ ભાજપ માટે મુશ્કેલી પડશે. કારણ કે બસપાએ અહીંથી દારા સિંહ પ્રજાપતિને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. મતલબ કે જે પછાત મતો ભાજપમાં જઈ શકે છે તે પ્રજાપતિ સાથે પણ જઈ શકે છે. 2019ના અંદાજિત આંકડાઓ અનુસાર, અહીં જ્ઞાતિનું ગણિત હાલમાં સમાજવાદી પાર્ટી તરફ ઝૂકી રહ્યું છે.
4. બાગપત સીટ પર બસપાના બાનિયા ઉમેદવાર
બાગપત બેઠક પણ મુસ્લિમ બહુમતી મતદારો ધરાવતી બેઠક છે. અહીં મુસ્લિમ વસ્તી જીત અને હાર નક્કી કરતી રહી છે. પરંતુ આ વખતે અહીં પણ કોઈ પાર્ટીએ મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખ્યા નથી. આરએલડીને આ સીટ એનડીએ પાસેથી મળી છે. આરએલડીએ અહીંથી રાજકુમાર સાંગવાનને ટિકિટ આપી છે. જાટ મતો એનડીએમાં જશે તે નિશ્ચિત છે પરંતુ મુસ્લિમ મતો એક રસ્તે સમાજવાદી પાર્ટી તરફ જશે. અહીં પણ ભાજપનું ગણિત એવું હતું કે જો બસપા મુસ્લિમ ઉમેદવાર ઉતારે તો એનડીએના ઉમેદવારને ધાર મળી જાય. પરંતુ બસપાએ અહીંથી બાનિયા ઉમેદવારને મેદાનમાં ઉતારીને વધુ એક મુશ્કેલી ઊભી કરી છે. જ્યારે હરીફાઈ નજીક હોય, ત્યારે દરેક મત મહત્વપૂર્ણ બની જાય છે. બસપાના બાનિયા ઉમેદવાર ચોક્કસપણે આરએલડી માટે મુશ્કેલી ઊભી કરશે. બાનિયા ભાજપના કટ્ટર મતદાર છે, પરંતુ જો તેમની જ જ્ઞાતિના ઉમેદવાર બીજા પક્ષમાં હશે તો અમુક મત તેમને ચોક્કસ જશે. જો પ્રવીણ બંસલ BSP તરફથી ઉમેદવાર ન હોત તો સ્વાભાવિક રીતે જ વૈશ્ય સમુદાયના તમામ મત ભાજપના સમર્થનને કારણે RLDમાં ગયા હોત. પરંતુ હવે આવું નહીં થાય. આ વખતે સપાએ મનોજ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. અહીંના ચૂંટણી પરિણામોમાં મુસ્લિમ વોટનું મહત્વ દેખાઈ રહ્યું છે. 2014માં સપાના ગુલામ મોહમ્મદ બીજા નંબરે જ્યારે ચૌધરી અજીત સિંહ ત્રીજા નંબરે હતા. 2004માં બસપાના ઔલાદ અલી બીજા નંબરે હતા. બાગપતમાં લગભગ 26 ટકા મુસ્લિમ મતદારો છે. પરંતુ અહીંથી કોઈપણ પક્ષે મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા નથી.
5. લખીમપુર ખીરી બેઠક પર બસપાના બ્રાહ્મણ ઉમેદવાર
સીતાપુર અને ખીરીને જોડીને બનેલ સંસદીય ક્ષેત્ર ધૌરહરા આ વખતે તેના ચોથા સાંસદને ચૂંટવા જઈ રહ્યું છે. કોંગ્રેસે 2009માં પ્રથમવાર અહીં ખાતું ખોલાવ્યું હતું. ત્યારે યુવા નેતા જિતિન પ્રસાદ કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા. તેમણે બસપાના રાજેશ વર્માને 184539 મતોથી હરાવીને પહેલી ચૂંટણી જીતી હતી. પરંતુ ત્યાર બાદ આ સીટ માત્ર ભાજપ જ જીતી રહી છે. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીની રેખા વર્મા પોતાની હેટ્રિક ફટકારવા માટે મેદાનમાં ઉતરી રહી છે. પરંતુ BSPએ તેમને રેકોર્ડ બનાવવાથી રોકવાની તૈયારી કરી લીધી છે.
સમાજવાદી પાર્ટીએ પૂર્વ MLC અને પાર્ટીના વડા અખિલેશ યાદવના નજીકના આનંદ સિંહ ભદૌરિયાને બીજી વખત તેના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે બહુજન સમાજ પાર્ટીએ અહીં ભારતીય જનતા પાર્ટી સાથે ખેલ રમી રહી છે. બસપાએ ભાજપમાંથી જ આવેલા નેતા શ્યામ કિશોર અવસ્થીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ભાજપને આશા હતી કે BSP આ વખતે પણ અહીંથી મુસ્લિમ ઉમેદવાર ઉતારશે, કારણ કે 2019માં આ સીટ પર ભારતીય જનતા પાર્ટીના રેખા વર્માના સૌથી નજીકના હરીફ અરશદ ઇલ્યાસ સિદ્દીકી હતા, જેઓ 1.5 લાખથી વધુ મતોથી હારી ગયા હતા. ત્રીજા સ્થાને કોંગ્રેસના જિતિન પ્રસાદ હતા, જેઓ હવે ભાજપ વતી પીલીભીતથી ચૂંટણી લડી રહ્યા છે. વાસ્તવમાં લખીમપુર ખેરીનો વિસ્તાર બ્રાહ્મણોનું વર્ચસ્વ છે. ભારતીય જનતા પાર્ટીને છેલ્લી બે ચૂંટણીમાં તેનો ફાયદો મળી રહ્યો છે. પરંતુ બસપાના બ્રાહ્મણ ઉમેદવાર ભાજપનું કામ બગાડી શકે છે.
આ પણ વાંચો: કોંગ્રેસે ‘ઘર ઘર ગેરંટી’ અભિયાન શરૂ કર્યું, ‘મોદીની ગેરંટી’ને નિષ્ફળ ગણાવી