ત્રિપાંખીયા જંગમાં અપક્ષનાં માવજીભાઈ દેસાઈ મારશે બાજી ?
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ધાનેરા વિધાનસભા બેઠક ભાજપ-કોંગ્રેસ-આપ સિવાય અપક્ષ પાર્ટીનો પણ દબદબો છે, ત્યારે ચૂંટણીને લઈને અપક્ષ પાર્ટીના બનાસકાંઠા જિલ્લાનાં ધાનેરા વિધાનસભા બેઠકનાં ઉમેદવાર માવજીભાઈ દેસાઈ સાથે હમ દેખેંગેની ટીમે મુલાકાત કરી હતી. તેમજ આ વખતની ચૂંટણીને લઈને તેમની સાથે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : થરાદ વિધાનસભાનાં ઉમેદવાર શંકર ચૌધરીએ જણાવી રણનીતિ
કેમ માવજીભાઈએ અપક્ષમાંથી નોંધાવી ઉમેદવારી ?
માવજીભાઈએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવવાની વાત કરતાં જણાવ્યું હતું કે, ‘વર્ષ 2017માં હું નજીવા મતોથી ચૂંટણી હાર્યો હતો, અને મારા જેટલાં નજીવા મતોથી હારેલા ઉમેદવારને ટીકિટ આપવામાં આવી છે, પરંતુ બનાસકાંઠાની રાજનીતિએ મારી અવગણના કરી મારી ટીકિટ કાપી હતી, ત્યારબાદ ધાનેરાની પ્રજાએ મારો સાથ આપ્યો અને પ્રજાના શિરોમાન્ય અવાજને સાંભળીને મેં અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. તેથી જ આ ચૂંટણી હું નથી લડી રહ્યો, આ ચૂંટણી ધાનેરાની 36 કોમ અને 18 આલમનાં લોકો આ ચૂંટણી લડી રહ્યાં છે.’
ધાનેરામાં આ એક ઐતિહાસિક ચૂંટણી
આગળ વાત કરતાં માવજીભાઈએ જણાવ્યું હતું કે, ‘આ એક ઐતિહાસિક ચૂંટણી છે, કારણ કે ધાનેરામાં પહેલી વખત એવું બની રહ્યું છે કે કોઈ પણ મોટા ખર્ચા વગર તમામ ઈતર સમાજનાં લોકો દ્નારા આ ચૂંટણી લડાઈ રહી છે. આજે જ્યારે અમે ધાનેરાનાં ગામડામાં જઈએ છીએ ત્યારે અમારી સભામાં 1000 જેટલાં લોકો સ્વયંભૂ રીતે જોડાય છે, ધાનેરામાં ભાજપ-કોંગ્રેસ નામની પણ દેખાતી નથી.’
મારા ધારાસભ્યનો પગાર ગરીબ બાળકોનાં ભણતર પાછળ ખર્ચાશે : માવજી દેસાઈ
સમગ્ર ગુજરાતમાં સિંચાઈની સમસ્યાની ઘોર ઉપેક્ષા થઈ હોય તો તે ધાનેરા વિધાનસભામાં થઈ છે. તેથી અમારો પહેલો સંકલ્પ છે કે ધારાસભ્ય બન્યા પછી સરકાર જોડે આ સમસ્યાનું નિરાકરણ કરાવીશું.ઉપરાંત હું એક ધારાસભ્ય નહિ હોવ, સમગ્ર ધાનેરાની પ્રજા ધારાસભ્ય રહેશે. કારણ કે આ ચૂંટણી તેવો પોતાના પૈસે લડી રહ્યાં છે, તો જે મારા ધારાસભ્યનો પગાર હશે તે અમે ધાનેરાનાં ગરીબ બાળકોનાં ભણતર પાછળ વાપરીશું.