ગુજરાતમાં ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રખડતા ઢોર એક મોટો પ્રશ્ન બની ગયો છે. અવારનવાર રોડ ઉપર રખડતા ઢોરને કારણે અકસ્માતની ઘટનાઓ બને છે. ગાય અને આખલા જેવા પશુઓ રોડ પરથી પસાર થતાં વાહન ચાલકોને અડફેટે લે છે અને ઈજાગ્રસ્ત કરે છે. ત્યારે રાજય સરકાર હવે રખડતાં ઢોરના પ્રશ્ને એક્શન મોડમાં આવી હોય તેમ લાગી રહ્યું છે. રખડતા ઢોરને લઈને અકસ્માતના કેસો સામે આવી રહ્યા છે ત્યારે સરકારે ગંભીર નોંધ લઈ તત્કાલ કાર્યવાહી કરવા આદેશ કર્યા છે.
બુધવારે યોજાયેલ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ સેક્રેટરીને રખડતા ઢોર નિયંત્રણની કામગીરીને સતર્ક કરવા આદેશ આપ્યા હતા. મુખ્યમંત્રીએ શહેરી વિકાસ વિભાગના સેક્રેટરીને રસ્તા પર રખડતા ઢોરને હટાવા આદેશ કર્યા છે. કેબિનેટ બેઠકમાં સપ્તાહમાં રિપોર્ટ આપવા આદેશ પણ અપાયા છે. રખડતા ઢોરને પાંજરાપોળ, ગૌશાળામાં મોકલી આપી સંસ્થાઓને નિભાવ ખર્ચ આપવા સૂચના પણ આપવામાં આવી છે. સંસ્થાઓને ઢોરનો નિભાવ ખર્ચની જોગવાઈ અંતર્ગત સત્વરે અમલ કરવા પાલિકાઓને આપી સૂચના પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો : IND vs ZIM: ભારતની ઝિમ્બાબ્વે સામે શાનદાર જીત, પહેલી વન-ડેમાં 10 વિકેટે હરાવ્યું
ઉલ્લેખનિય છે કે કડીમાં ત્રિરંગા યાત્રા દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને રખડતી ગાયે અડફેટે લીધા હતા. અને તેમણે તાત્કાલિક હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા હતા. તેમની સાથે અન્ય બે થી ત્રણ લોકો પણ ગાયની અડફેટમાં આવ્યા હતા. નિતિન પટેલ ને ગાયનું શિંગડું વાગ્યું હતું અને ઘૂંટણમાં ઇજા પણ થઈ હતી. તો પોરબંદરમાં પણ હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત શહેરમાં પહોંચેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કોન્વે અને રેલી દરમિયાન વચ્ચે બે આખલાઓ ઘુસી ગયા હતા. જો કે પોલીસે સમયસૂચકતા દાખવતાં કોઈ અકસ્માત નહોતો સર્જાયો. રાજયમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે.જો કે સરકાર દ્વારા માર્ચ માહિનામાં યોજાયેલી વિધાનસભાની બેઠકમાં રખડતા ઢોર નિયંત્રણ સંબંધિત કાયદાને લઈ ચર્ચા થઈ હતી. અને તે અંગે એક બિલ પાસ કરવામાં આવ્યું હતું. પરંતુ ને રાજ્યભરમાં માલધારી સમાજના લોકો ભારે વિરોધ કર્યો હતો. રખડતાં ઢોર સંબંધિત બિલ જે તે સમયે મોકૂફ રાખવામા આવ્યું હતું.