રાજ્યમાં પશુઓને વિવિધ રોગોથી બચાવવા આટલું રસીકરણ કરાયું
પશુઓના રસીકરણ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નો પ્રત્યુત્તર આપતા પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કોરોના કાળ બાદ ગૌવંશમાં લમ્પી રોગ પ્રસર્યો હતો. રાજ્યમાં ગૌ વંશને સહેજ પણ આંચ ન આવે તે માટે જરૂર પડે તેટલો ખર્ચ ઉપરાંત જે પગલાં લેવા હોય તે લેવા માટેની રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે છૂટ આપી દીધી હતી. જેને પરિણામે પશુપાલન વિભાગ દ્વારા લમ્પીયુક્ત ગૌ વંશને ઘનિષ્ઠ સારવાર આપી તેને સાજા કરવા ઉપરાંત રોગમુક્ત ગૌ વંશમાં લમ્પી પ્રસરે નહિ તે માટે સઘન રોગપ્રતિકારક રસીકરણ કરવામાં આવ્યું હતું. જેને પરિણામે આપણે મહત્તમ ગૌ વંશને બચાવી રોગમુક્ત રાખવામાં સફળ રહ્યા છીએ.
બે વર્ષમાં 6,09,303 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું
મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, લમ્પી ઉપરાંત અન્ય રોગોથી મુક્ત રાખવા માટે સશક્ત પશુઓમાં રસીકરણ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો અને પશુઓમાં સો ટકા રસીકરણ થાય તે માટે તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવે તેવી પ્રથમ યોજના પણ અમલમાં આવી. જેનો ગુજરાતે મહત્તમ લાભ લીધો છે તે માટે પશુપાલન વિભાગના અધિકારીઓને મંત્રી અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીએ ઉમેર્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં તા.31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં 6,09,303 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં પશુઓના જીવાણુંજન્ય અને વિષાણુજન્ય રોગો માટે રસીકરણ કરાયું હોવાનું મંત્રી ઉમેર્યું હતું.
236 પશુ આરોગ્ય મેળા થકી 53,697 પશુઓને સારવાર અપાઈ
પશુ આરોગ્ય મેળા સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પૂરક પ્રશ્નના ઉત્તર આપતા મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં લાખો પશુઓને ઘર આંગણે નિદાન-સારવાર ઉપલબ્ધ કરાવવા ગુજરાત સરકારે પશુ આરોગ્ય મેળા શરૂ કર્યા છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં 31 ડિસેમ્બર 2022ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં 236 પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 53,697 પશુઓને સારવાર આપવામાં આવી અને 108પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ખેડૂત અકસ્માત વીમા સહાય યોજના અંતર્ગત સરકારે બે વર્ષમાં ખેડૂતોને ચૂકવી આટલી સહાય