રાષ્ટ્રીય સ્તરે કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો નોંધાયો છે. જોકે, 18 રાજ્યોના 52 જિલ્લાઓમાં છેલ્લા અઠવાડિયામાં દરરોજ 10 ટકાથી વધુ નમૂનાઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. 146 જિલ્લામાં સંક્રમણનો ફેલાવો 5 ટકાથી વધુ નોંધાયો છે. શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અહેવાલમાં જણાવાયું હતું કે, અરુણાચલ પ્રદેશના દિબાંગ ઘાટી જિલ્લામાં 100 ટકા નમૂનાઓ સંક્રમિત જોવા મળ્યા હતા. આ સિવાય 94 જિલ્લામાં કોરોના સંક્રમણનો દર પાંચથી 10 ટકાની વચ્ચે નોંધાયો હતો.
મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 26 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બરની વચ્ચે અરુણાચલ પ્રદેશ સિવાય મિઝોરમના કેટલાક જિલ્લાઓમાં 20 થી 40 ટકાની વચ્ચે સંક્રમણ નોંધાયું છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય સ્તરે સંક્રમણના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાહતની વાત એ છે કે સંક્રમણની અસર હોસ્પિટલો પર દેખાતી નથી. જો કે, જ્યાં સંક્રમણનો પ્રસાર વધુ છે તેવા જિલ્લાઓમાં COVID તકેદારીના નિયમો પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં 10.07, ઉત્તરાખંડના પિથોરાગઢમાં 14.23, નૈનીતાલમાં 10.85 અને રુદ્રપ્રયાગમાં 10 ટકા નમૂનાઓ સંક્રમિત જોવા મળ્યા હતા. એવી જ રીતે, હિમાચલ પ્રદેશના મંડી અને બિલાસપુર જિલ્લામાં અનુક્રમે 11.49 અને 10.05 ટકા સંક્રમણ જોવા મળ્યું છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના દક્ષિણ જિલ્લામાં 5.66, લખનઉમાં 5.58 અને ગાઝિયાબાદમાં 5.63, દેહરાદૂનમાં 6, નૂહ અને ગુરુગ્રામમાં અનુક્રમે 7.92 અને 6.64 ટકા સંક્રમણ મળ્યું છે. આ સિવાય હિમાચલ પ્રદેશના કુલ્લુમાં 8.82, સિરમૌરમાં 6.38, હમીરપુરમાં 6.03 અને કિન્નૌરમાં 5.75 ટકા સંક્રમણ નોંધાયું.