ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2024, ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ચાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતાં. આ ચારેય ઉમેદવારોએ 15મી ફેબ્રુઆરીએ ફોર્મ ભરી દીધા છે. જ્યારે કોંગ્રેસે એક પણ ઉમેદવાર જાહેર નહીં કરતાં ચારેય ઉમેદવાર બિનહરીફ થશે. ભાજપ તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મયંક નાયક, સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા અને જશવંતસિંહ પરમારે નામાંકન દાખલ કર્યું છે. બીજી તરફ જે.પી.નડ્ડાના ડમી ઉમેદવાર તરીકે રજની પટેલે ફોર્મ ભર્યું હતું જે તેમણે પરત ખેંચી લીધું હતું. આ ઉપરાંત અપક્ષ ઉમેદવાર પરેશ મુલાણીનું ફોર્મ ધારાસભ્યોનું સમર્થન નહીં મળતા રદ્દ થયું છે. આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે જેથી ભાજપની સત્તાવાર જીતની જાહેરાત આવતીકાલે થશે.
4 બેઠકો માટે 144 સભ્યોના બળની જરૂર
તાજેતરમાં જ ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટ સહિત કુલ 15 રાજ્યમાં 56 સીટ માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. 15 રાજ્યની 56 રાજ્યસભા બેઠક પર 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. 27 ફેબ્રુઆરીના રોજ સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠક છે. 4 બેઠકો માટે 144 સભ્યોના બળની જરૂર છે. ભાજપ પાસે 156 બેઠકો છે. રાજ્યસભાની યોજાનાર ચૂંટણીમાં પ્રત્યેક ધારાસભ્યના મતનું મૂલ્ય 100 પોઈન્ટનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ 4 ધારાસભ્યના રાજીનામા બાદ હાલ 175 સભ્યોની સંખ્યા છે. 178 ધારાસભ્યોમાંથી ભાજપ પાસે 156 બેઠકો અને કોંગ્રેસ પાસે 15 બેઠકો છે. વિધાનસભામાં આપ ના 4, સમાજવાદી પાર્ટીના 1 તેમજ અપક્ષના 2 ધારાસભ્યો છે.
કોણ છે મયંક નાયક અને જસવંતસિંહ પરમાર
મયંક નાયક બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી છે. જ્યારે જશવંતસિંહ પરમાર મધ્ય ગુજરાતમાંથી ભાજપના અગ્રણી છે. જસવંતસિંહ સાલમસિંહ પરમાર વ્યવસાયે ડોક્ટર છે, તેઓ શહેરા તાલુકાના વાઘજીપુરના વતની છે. હાલમાં ગોધરામાં ભાગ્યોદય હોસ્પિટલ ચલાવી રહ્યા છે. તેઓ ઓબીસી અગ્રણી નેતા તરીકે પણ જાણીતા છે અને ભારતીય જનતા પાર્ટી મૂળના છે. તેઓના પિતા સાલમસિંહ પરમાર જિલ્લા પંચાયત સભ્ય રહી ચુક્યા છે. 2017ની વિધાનસભાની ચુંટણીમાં ભાજપમાથી દાવેદાર હતા ટિકિટ ના મળતા તેઓ અપક્ષ લડ્યા હતા.
કોણ છે ગોવિંદભાઈ ધોળકિયા
ગુજરાતના દુધાળા ગામમાં 7 નવેમ્બર 1947 ના રોજ જન્મેલા ગોવિંદ ધોળકિયાનો ઉછેર નાનકડા ઘરમાં થયો હતો. સાત ભાઈ-બહેનો સાથે ગરીબ કૃષિ પરિવારમાં ઉછરેલા, તેમણે કોઈ વિશેષ વિશેષાધિકારો અથવા ગુણવત્તાયુક્ત શિક્ષણ વિના બાળપણનો અનુભવ કર્યો. તેમની સામે અનેક પડકારો હોવા છતાં, ગોવિંદ ધોળકિયાનું બાળપણ સાદગીથી વીત્યું હતું. લોકો વચ્ચે તેઓ પ્રેમથી કાકા તરીકે ઓળખાઈ છે. તેમણે 1964માં 17 વર્ષની ઉંમરે જાહેર જીવનની શરૂઆત કરી હતી.
આ પણ વાંચોઃચૈતર વસાવાની કોંગ્રેસને ચીમકી, ઝડપથી નિર્ણય લો નહીં તો ઉમેદવારો જાહેર કરાશે