ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર મામલે કોંગ્રેસમાં ડખા પડ્યા

  • વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસની ઐતિહાસિક કારમી હાર થઈ
  • ભાજપ બિનહરીફ જીતે એના કરતાં ચૂંટણી થવી જોઈએ
  • નારાજ ધારસભ્યો આગામી સમયમાં ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરે તેવી ભીતિ

રાજ્યસભાની ચૂંટણી લડવી કે કેમ ? કોંગ્રેસમાં અંદરો અંદર ભાગલા પડયા છે. જેમાં અન્ય જૂથ માને છે કે, ભલે હાર થાય પણ ઉમેદવાર ઊભો રાખવો જોઈએ. તથા ચૂંટણીમાં શું કરવું તેનો નિર્ણય હાઇ કમાન્ડ કરશે તેમ કોંગ્રેસના સૂત્રો કહે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે, ડીલર વર્તુળોમાં જોરદાર ચર્ચા જામી 

ભાજપ બિનહરીફ જીતે એના કરતાં ચૂંટણી થવી જોઈએ

રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર મેદાનમાં ઉતારવો કે કેમ તેને લઈ કોંગ્રેસમાં અંદરો અંદર ભાગલા પડયા છે, એક જૂથ કહે છે કે, ભાજપ બિનહરીફ જીતે એના કરતાં ચૂંટણી થવી જોઈએ, કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત કરવી જોઈએ, જોકે કોંગ્રેસ પક્ષનો બીજો જૂથ માને છે કે, હું તું ને રતનિયો જેવી કોંગ્રેસના ધારાસભ્યોની સભ્ય સંખ્યા છે, ઉમેદવાર ઉતારો તોય હારવાના તો છે જ, આબરૂ કાઢવી એના કરતાં તો ચૂંટણી જ ન લડવી જોઈએ. આમ અંદરો અંદરના કોંગ્રેસના જૂથોમાં રાજ્યસભાની ચૂંટણીને લઈ ભાગલા પડયા છે.

વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસની ઐતિહાસિક કારમી હાર થઈ

ગુજરાત વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસની ઐતિહાસિક કારમી હાર થઈ છે, કોંગ્રેસ પાસે માંડ 17 ધારાસભ્યો છે, એમાંય કેટલાક તો વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાથી નારાજ ચાલી રહ્યા છે, આ નારાજ ધારસભ્યો આગામી સમયમાં ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરે તેવી ભીતિ સેવાઈ રહી છે. કોંગ્રેસના એક જૂથનું માનવું છે કે, રાજ્યસભામાં ભલે હાર થાય પણ કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરવો જોઈએ અને ચૂંટણી લડવી જોઈએ, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સપોર્ટ કરે છે કે પછી મતદાન પ્રક્રિયાથી અળગા રહેવાનો રોલ ભજવે છે તે પણ ખ્યાલ આવી શકે.

કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો અગાઉ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરી ચૂક્યા છે

એટલું જ નહિ પરંતુ ખુદ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો અગાઉ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરી ચૂક્યા છે, આ ચૂંટણીમાં ભાજપને ભલે કોંગ્રેસના ધારાસભ્યના મતની જરૂર નથી પણ અમિત ચાવડાથી નારાજ જે ધારાસભ્યો પક્ષપલ્ટો કરવાની ફિરાકમાં છે તે ક્રોસ વોટિંગ કરે છે કે કેમ તે પણ ખ્યાલ આવી શકે તેમ છે. અન્ય જૂથના કહેવા પ્રમાણે જીતવાના ન હોય તેવી સ્થિતિમાં શું કામ ચૂંટણી લડવી? આબરૂ કાઢવાનો કોઈ મતલબ ખરો? એકંદરે ગુજરાત કોંગ્રેસ દિલ્હી સ્થિત હાઈકમાન્ડનું માર્ગદર્શન મેળવીને આ ચૂંટણીમાં શું કરવું તેનો નિર્ણય કરશે તેમ કોંગ્રેસના સૂત્રો કહે છે.

Back to top button