પિંક સિટી જયપુરમાં રાજપૂતોનો અનમોલ ખજાનો છુપાયેલો છે
- પિંક સિટી જયપુરમાં ઘણા મહેલો અને કિલ્લા છે
- જયગઢ કિલ્લો આમાંથી એક છે,જે ઘણા કારણોસર પ્રખ્યાત છે
- કહેવાય છે કે આ કિલ્લામાં ઘણો ખજાનો છુપાયેલો છે
રાજસ્થાન, 07 ફેબ્રુઆરી : રાજસ્થાન તેની સંસ્કૃતિ અને પરંપરાઓ માટે વિશ્વભરમાં જાણીતું છે. દર વર્ષે આ સ્થળની સુંદરતા જોવા માટે લોકો દૂર-દૂરથી મોટી સંખ્યામાં આવે છે. તેના ખોરાક અને જીવનશૈલી ઉપરાંત, આ રાજ્ય તેના કિલ્લા અને મહેલો માટે પણ જાણીતું છે. રાજસ્થાનના ગુલાબી શહેર જયપુર આવેલો જયગઢ કિલ્લો આ પ્રાચીન અને ઐતિહાસિક ઇમારતોમાંની એક છે, જે ઘણા કારણોસર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહે છે. એવું માનવામાં આવે છે કે આ કિલ્લામાં વિશ્વની સૌથી મોટી તોપ રાખવામાં આવી છે, જે જૈબન તોપ તરીકે ઓળખાય છે. તેમજ, આ કિલ્લામાં ઘણો ખજાનો પણ છુપાયેલો છે.
આ કિલ્લો મહારાજા સ્વાઇ જયસિંહ II (1880-1922) દ્વારા બનાવવામાં આવ્યો હતો. જયપુરથી માત્ર 15 કિલોમીટરના અંતરે આવેલો આ કિલ્લો હંમેશા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. 18મી સદીની શરૂઆતમાં આમેરના કિલ્લાને દુશ્મનોના હમલાથી બચાવવા માટે આ પ્રચંડ કિલ્લો બનાવવામાં આવ્યો હતો. ચીલ કા ટીલા નામની પહાડી પર બનેલો આ કિલ્લો જેટલો ભવ્ય છે તેટલો જ રસપ્રદ તેનો ઈતિહાસ છે. ચાલો જાણીએ જયગઢ કિલ્લાનો સમૃદ્ધ ઈતિહાસ…
જયગઢ કિલ્લાનો ઈતિહાસ
તેના ઈતિહાસ વિશે વાત કરીએ તો એવું કહેવાય છે કે મુઘલ કાળ દરમિયાન અહીંના શાસકો દ્વારા આ કિલ્લાનો ઉપયોગ એક પ્રમુખ તોપખાના તરીકે થતો હતો. તેમજ, યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા શસ્ત્રો અને અન્ય વસ્તુઓનો સંગ્રહ કરવાની જગ્યા પણ આ કિલ્લામાં હતી. રાજસ્થાનના ઇતિહાસ અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતો આ કિલ્લો ‘વિજય કિલ્લા’ તરીકે પણ ઓળખાય છે. તેની સંરચના અને બનાવટ તમને મધ્યકાલીન ભારતની ઝલક આપશે. દરિયાઈ સપાટીથી ઘણા ફૂટની ઊંચાઈએ આવેલો આ કિલ્લો વિશાળ દિવાલોથી ઘેરાયેલો છે અને તે સુરંગો દ્વારા આમેરના કિલ્લા સાથે જોડાયેલો છે.
જયગઢ કિલ્લાની અનંત દિવાલો
આ કિલ્લાની ખાસ વાત એ છે કે તમે આમેરમાં ગમે ત્યાં હોવ, એક વસ્તુ જે તમે ગમે ત્યાંથી જોઈ શકો છો તે છે જયગઢ કિલ્લાની વિશાળ લાલ દિવાલો. મૂળરૂપે બલુઆ પત્થરથી બનેલી આ દિવાલો 3 કિમીના વિસ્તારને આવરી લે છે. આ કિલ્લાની બીજી ખાસ વાત એ છે કે તેમાં વિશ્વની અત્યાર સુધીની સૌથી મોટી પૈડાવાળી તોપ છે. આ તોપ આ કિલ્લામાં જ બનાવવામાં આવી હતી. જો કે, આવડા મોટા કદની હોવા છતાં તેનો ઉપયોગ કોઈપણ યુદ્ધ દરમિયાન ક્યારેય કરવામાં આવ્યો નથી.
કિલ્લામાં છુપાયેલો અપાર ખજાનો
આ કિલ્લામાં હાજર તોપની પાછળ સ્થિત પાણીની ટાંકી આજે પણ રહસ્યમય માનવામાં આવે છે. આ ટાંકી કદમાં ઘણી મોટી છે. આ પાણીની ટાંકી માત્ર શરૂઆતની સદીઓમાં જ નહીં પરંતુ 20મી સદીમાં પણ ચર્ચાનો વિષય હતી. એવું માનવામાં આવે છે કે કછવાહા રાજવંશે આ કિલ્લાનો ઉપયોગ તેમના ખજાનાને સંગ્રહિત કરવા માટે કર્યો હતો. ઘણા ઈતિહાસકારોનું માનવું છે કે આ કિલ્લામાં સ્થિત આ ટાંકીની નીચે એક ચેમ્બર છે, જ્યાં મહારાજા માનસિંહ દ્વારા અફઘાનિસ્તાન અને ભારતના અલગ-અલગ રજવાડાઓ પાસેથી લૂંટવામાં આવેલો ખજાનો છુપાવામાં આવ્યો છે.
આ ઉપરાંત, હજુ સુધી માનસિંહનો ખજાનો કિલ્લામાં છે કે કેમ તે અંગે કોઈ પુષ્ટી માહિતી પ્રાપ્ત થઈ નથી અને જો ખજાનો અહીં હાજર છે તો તે હજુ જયગઢ કિલ્લામાં છુપાયેલો છે કે તેને પછી બહાર કાઢી લેવામાં આવ્યો છે?
આ પણ વાંચો : સમાન નાગરિક ધારો – UCC વિશે તમે જાણવા માગો એ બધું અહીં વાંચો