

- જાન્યુઆરી’24માં 10મી વાઈબ્રન્ટ સમિટ યોજાશે
- 5 ટ્રિલિયન US ડોલર ઈકોનોમી બનવામાં ગુજરાતની ભૂમિકા
- મજબૂત અર્થવ્યવસ્થામાં MSMEનું યોગદાન મહત્વપૂર્ણ
નવી દિલ્હી ખાતે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની આઠમી ગવર્નીંગ કાઉન્સિલની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાતના આર્થિક, સામાજીક વિકાસનો રોડમેપ રજૂ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાન્યુઆરી 2024માં 10મી વાઈબ્રન્ટ સમિટ યોજવાનું જાહેર કર્યુ હતુ. જેના માટે તેમણે તૈયારીઓ ચાલી રહ્યાનું પણ જણાવ્યુ હતુ.
મજબૂત અર્થવ્યવસ્થામાં MSMEનું યોગદાન મહત્વપૂર્ણ
નીતિ આયોગની આઠમી ગવર્નીંગ કાઉન્સિલમાં વર્ષ 2047 સુધીમાં ભારતને પાંચ ટ્રિલિયન અમેરિકી ડોલરની ઈકોનોમી બનાવવા માટે દેશના તમામ રાજ્યો પાસેથી સુચનો અને ભવિષ્યના દિશા-સુચક આયોજનોની રૂપરેખા મંગાવવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતની ભૂમિકા મહત્વની બની રહેશે એ નક્કી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠકમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં ઈકોનોમિક એક્વિટિઝ આધારિત શહેરોના વિકાસ પર ફોકસ કરવા ગિફ્ટ સિટી, ધોલેરા અને ડ્રીમ સિટી જેવા ગ્રીન ફિલ્ડ આધારિત ઈકોનોમિક સિટિઝનો વિકાસ થઈ રહ્યો છે. મજબૂત અર્થવ્યવસ્થામાં MSMEનું યોગદાન મહત્વપૂર્ણ છે.
ગુજરાતમાં 12 લાખ જેટલા MSME ઉદ્યોગ પોર્ટલ પર નોંધાયેલા
ગુજરાતમાં 12 લાખ જેટલા MSME ઉદ્યોગ પોર્ટલ પર નોંધાયેલા છે. જેમના થકી અંદાજે 63 હજાર કરોડથી વધુના રોકાણો આવ્યા છે અને 75 લાખથી વધુને રોજગારી મળી રહી છે. વિકાસ કાર્યો માટે કેન્દ્ર અને રાજ્યના ભિન્ન- ભિન્ન ડેટા લેયર્સને PM ગતિશક્તિ પ્લેટફોર્મ પર ઈન્ટીગ્રેટ કરનારૂ દેશનું પ્રમથ રાજ્ય ગુજરાત બન્યુ છે. જેના કારણે અગાઉ જ્યારે વિકાસ કાર્યોના આયોજન કરતા મહિનાઓ થતા તે હવે થોડા જ અઠવાડિયામાં થઈ જાય છે. ભારતને પાંચ ટ્રિલિયન યુ.એસ.ડોલર ઈકોનોની બનાવવામાં ગુજરાતે 10 ટકાથી વધુ સહભાગીતાનો લક્ષ્યાંક રાખ્યાનું પણ ઉમેર્યુ હતુ.