કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022

આવતા પાંચ વર્ષોમાં ૩ લાખ સહકારી મંડળીઓને બેંક સાથે જોડી તેમને બહુહેતુક બનાવાશે – અમિતભાઈ શાહ

Text To Speech

કેન્દ્રીય ગૃહ – સહકાર મંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં અમરેલીની અમર ડેરીના પટાંગણમાં વિવિધ ક્ષેત્રોની સાત સહકારી મંડળીઓની સંયુકત વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા સભ્યોને સંબોધન કરતા કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંનિષ્ઠ પ્રયાસોથી સહકારી ક્ષેત્રનો નવો વિભાગ બનાવીને સહકાર ક્ષેત્રને વધુ સમૃદ્ધ બનાવવાની નવી દિશા કંડારી છે. વધુમાં શાહે સહકારી મંડળીઓના પ્રોત્સાહન અંગે સરકારની નીતિઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યુ હતુ કે, આવનારા પાંચ વર્ષમાં ૩ લાખ મંડળીઓને બેંક સાથે જોડી તેમને બહુહેતુક બનાવવાની સરકારની નેમ છે. આ માટે દરેક પંચાયતમાં સહકારી મંડળીની સ્થાપના માટે રૂ.૧૫૦૦ કરોડ અને તેના કમ્પ્યુટરાઇઝેશન માટે રૂ.૧૦૦૦ કરોડ સહિત કુલ રૂ.૨૫૦૦ કરોડ સરકારે ફાળવ્યા છે. સહકાર યુનિવર્સિટીનું નિર્માણ કરી સહકારી ક્ષેત્રની તાલીમ આપવામાં આવશે. તેનો ડેટાબેઇઝ તૈયાર કરવામાં આવશે. જેનાથી મંડળીની પ્રગતિ ઓનલાઈન જાણી શકાશે અને તેના વિકાસ માટે કામગીરી થઈ શકશે.

મધમાખી ઉછેર અને ગાય સંવર્ધન જેવા કૃષિના પૂરક વ્યવસાયને પ્રોત્સાહન આપવા પ્રયાસ

સહકાર ક્ષેત્ર પ્રત્યે સરકારની પ્રતિબધ્ધતા દોહરાવતા કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહે કહ્યુ કે, સહકારી ક્ષેત્રના વિકાસ માટે સરકાર મધમાખી ઉછેર અને ગાય સંવર્ધન જેવા કૃષિના પૂરક વ્યવસાયને પ્રોત્સાહન આપવા સકારાત્મક પ્રયાસો કરી રહી છે. આ બાબતના સમર્થનમાં મંત્રી શાહે ઉમેર્યુ હતુ કે કેન્દ્ર સરકારે મધમાખી ઉછેર માટે રૂ.૫૫ કરોડની ફાળવણી કરી છે. શાહે વધુમાં કહ્યુ કે, ગોબર ગેસ, ગોડાઉન, વીજ કલેક્શન, માર્કેટિંગ, ગેસ વિતરણ એજન્સી, જલ સે નલ વગેરે ક્ષેત્રનો સહકારી ક્ષેત્રમાં સામેલ કરવામાં આવશે. જેનાથી સહકારી ક્ષેત્રનો વ્યાપ વધશે અને તેની પ્રગતિ વધુ સઘનપણે થઈ શકશે.

ગીર ગાય અને જાફરાબાદી ભેંસની સશક્ત ઓલાદો જન્મે તેના માટે સંવર્ધનકેન્દ્ર

આ સંમેલનમાં કેન્દ્રીય પશુપાલન, મત્સ્યઉદ્યોગ અને ડેરી મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યુ હતુ કે, જિલ્લાનું ગૌરવ કહી શકાય એવી ગીર ગાય અને જાફરાબાદી ભેંસની ઓલાદના સંવર્ધન, તેના જતન અને તેની સશક્ત ઓલાદો જન્મે તેવા સંયુકત હેતુઓને સાકાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી અમરેલી જિલ્લામાં એક સંવર્ધનકેન્દ્ર શરુ થવાનું છે, જેના કારણે જિલ્લાના પશુપાલકોને ખૂબ ફાયદો થશે. વધુમાં તેમણે કહ્યુ કે, દેશમાં સહકારથી સમૃદ્ધિનું સૌથી મોટું ઉદાહરણ અમૂલ છે. પ્રતિદિન ૧૫૦ કરોડ રૂપિયાનું વેચાણ અમૂલના માધ્યમથી થાય છે, જેનો સીધો લાભ ઉપભોક્તાઓને થાય છે. ભારત સરકાર દ્વારા જેવી રીતે ખેડૂતોને કેસીસી આપવામાં આવી રહી છે એવી જ રીતે હવે પશુપાલકો અને માછીમારોને પણ આપવામાં આવે છે, આ ડબલ એન્જિનની સરકારમાં સહકાર અને સરકારથી સૌની સમૃદ્ધિ થઈ રહી છે.

અમિતભાઈ શાહનું અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યુ સ્વાગત

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ અમરેલી જિલ્લાના પ્રવાસે આવતા અમરેલી એરસ્ટ્રીપ ખાતે  તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા હિમકર સિંઘ, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનિષભાઈ સંઘાણી સહિતના પદાધિકારીઓ અને જિલ્લાના અધિકારઓએ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતુ.

 

Back to top button