ટોપ ન્યૂઝવર્લ્ડહેલ્થ

આવતા 10 વર્ષમાં કોરોના જેવી વધુ એક મહામારી કરી શકે છે પગ પેસારો, રોજના 15 હજાર મોતની આશંકા

Text To Speech
  • લંડનની એરફિનિટી લિ. ફર્મનો ચોંકાવનારો દાવો
  • બીજી મહામારી ત્રાટકવાની 27.5 ટકા સંભાવના
  • સમયસર રસી બનાવીને રોગચાળાનો ખતરો ઘટાડી શકાય

લગભગ ત્રણ વર્ષ વીતી ગયા પછી પણ વિશ્વ કોરોના મહામારીના પડછાયામાંથી સંપૂર્ણપણે મુક્ત થયું નથી. તેવામાં હવે એક નવા અહેવાલે ચિંતામાં ઉમેરો કર્યો છે. હકીકતમાં, એક સ્વાસ્થ્ય વિશ્લેષક ફર્મે તેના રિપોર્ટમાં દાવો કર્યો છે કે આગામી દાયકામાં કોરોના જેવી બીજી ખતરનાક મહામારી વિશ્વમાં ત્રાટકે તેવી 27.5 ટકા સંભાવના છે. જો કે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સમયસર રસી બનાવીને રોગચાળાનો ખતરો ઘટાડી શકાય છે.

કોણે કર્યો દાવો ? રિપોર્ટમાં શું છે ?

મળતી માહિતી મુજબ, લંડનની એરફિનિટી લિ. ફર્મનો દાવો છે કે આબોહવા પરિવર્તન, વધતી જતી આંતરરાષ્ટ્રીય મુસાફરી, વધતી જતી વસ્તી અને પ્રાણીઓથી મનુષ્યોમાં સંક્રમિત થઈ શકે તેવા રોગોને કારણે રોગચાળો થવાની સંભાવના છે. જો કે, કંપનીએ એમ પણ કહ્યું છે કે જો તેની રસી નવા ચેપી રોગની શોધ થયાના 100 દિવસની અંદર બનાવવામાં આવે છે, તો રોગચાળાનું જોખમ 8 ટકા સુધી ઘટી જશે.

બે દશકમાં ત્રણ મોટી મહામારી વિશ્વએ જોઈ

કંપનીનું કહેવું છે કે જો સ્થિતિ વધુ બગડે અને નિયંત્રણ બહાર જાય તો બર્ડ ફ્લૂ જેવા વાયરસના ચેપને કારણે એકલા બ્રિટનમાં દરરોજ 15,000 લોકોના મોત થઈ શકે છે. છેલ્લા બે દાયકામાં દુનિયાએ ત્રણ મોટી મહામારીઓ જોઈ છે, જેમાં કોરોના મહામારી, સાર્સ, મર્સ અને સ્વાઈન ફ્લૂનો સમાવેશ થાય છે.

Zika, MERS જેવી બીમારીઓની રસી પણ હજુ સુધી મળી નથી

H5N1 બર્ડ ફ્લૂનો ચેપ પણ ચિંતા વધારી રહ્યો છે. જો કે તેનાથી સંક્રમિત લોકોની સંખ્યા ઓછી છે અને તે માણસોમાંથી માણસોમાં ફેલાવાના કોઈ ચિહ્નો નથી. જોકે પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓમાં ફેલાવાનો દર ઝડપી છે, જેના કારણે ચિંતા રહે છે. Zika, MERS વગેરે જેવી અનેક ખતરનાક બીમારીઓની રસી પણ હજુ સુધી મળી નથી. આવી સ્થિતિમાં, આરોગ્ય વૈજ્ઞાનિકોએ તાત્કાલિક આવા પગલાં લેવા પડશે, જેથી ભવિષ્યમાં રોગચાળાનો સામનો કરી શકાય.

Back to top button