પીએમના ગુજરાત પ્રવાસ દરમ્યાન પ્રથમ વખત ભાવનગરમાં ભવ્યાતિભવ્ય રોડ-શોનું આયોજન
આગામી સમયમાં સમયમાં ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને પુરા જોરશોરમાં કામગીરી ચાલી રહી છે. તા. 29 સપ્ટેમ્બરના રોજ પીએમ ગુજરાતની મુલાકાતે છે ત્યારે પીએમ સૌ પ્રથમ ભાવનગરની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યાં PM કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તે સાથે જ વડાપ્રધાન ભાવનગરમાં ભવ્ય રોડ શો યોજીને જવાહર મેદાન ખાતે સભાને સંબોધશે. ત્યારે વડાપ્રધાન મોદીના આગમનને લઈ અમરેલી, બોટાદ, ભાવનગર જિલ્લાના અધિકારીઓ અને આગેવાનોની કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી.
ભાવનગરમાં રોડ શોને ભવ્યાતિભવ્ય બનાવવામાં આવશે
આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સભાને સંબોધવા બે લાખથી વધુ લોકો જોડાય તેવી સંભાવના છે. જેને પગલે વહીવટી તંત્રએ યુદ્ધના ધોરણે તૈયારીઓ હાથ ધરી છે. તો વડાપ્રધાન મોદીના બેથી અઢી કિલોમીટરના ભાવનગરમાં પ્રથમ વખત યોજાનારા રોડ શોને ભવ્યાતિભવ્ય બનાવવામાં આવશે. પીએમના રોડ શો દરમિયાન અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.
વડાપ્રધાન મોદીનો ઝંઝાવાતી ગુજરાત પ્રવાસ
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે મહત્તમ બેઠકો હાંસલ કરવા દરેક રાજકીય પાર્ટીઓ એડી ચોટીનુ જોર લગાવી રહી છે. રાજ્યમાં આ વખતે AAP પણ મેદાનમાં છે, ત્યારે ત્રિપાંખિયો જંગ જામશે.આ બધાની વચ્ચે ગુજરાતમાં 27 વર્ષથી શાસન કરી રહેલી ભાજપ (BJP) પણ એક્શનમાં જોવા મળી રહી છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિતના નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. મળતી માહિતી મુજબ PM મોદી ફરી એકવાર ગુજરાત આવશે. 5 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ 12 થી વધુ જનસભા સંબોધી શકે છે.