રામ મંદિરના દાનના નામે QR કોડ મોકલી સોશિયલ મીડિયા ઉપર ઠગાઈ, ફરિયાદ નોંધાઈ
અયોધ્યા, 31 ડિસેમ્બર : રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમને લઈને વધુ એક મોટી ભૂલ સામે આવી છે. સોશિયલ મીડિયા પર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નામે નકલી એકાઉન્ટ બનાવવામાં આવી રહ્યા છે અને લોકો પાસે દાન તરીકે પૈસા માંગવામાં આવી રહ્યા છે. લોકોને લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર QR કોડ વિતરિત કરીને રામ મંદિરના ઉદ્ઘાટનમાં મહત્તમ સહયોગ આપવા અપીલ કરવામાં આવી રહી છે. વિશ્વ હિંદુ પરિષદ (VHP) એ આની વિરુદ્ધ ઉત્તર પ્રદેશ પોલીસ અને દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ પહેલા રાજસ્થાનમાં રામ મંદિરના નામે સ્લિપ કાપીને લોકો પાસેથી દાન લેવાનો મામલો સામે આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ફેસબુક પર શ્રી રામ જન્મભૂમિ તીર્થ શ્રેત્ર ટ્રસ્ટના નામે પ્રોફાઇલ બનાવવામાં આવી છે અને ક્યૂઆર કોડ શેર કરવામાં આવ્યો છે. પ્રોફાઈલ અભિષેક કુમારના નામે બનાવવામાં આવી છે. પ્રોફાઇલ પર રામ ભક્તોને રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમ માટે ઉદાર હાથે દાન આપવા અપીલ કરવામાં આવી છે. તેવી જ રીતે, UPI નંબર (9040914736@paytm) જારી કરીને તેના પર રામ મંદિર માટે દાન આપવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આ પ્રોફાઇલ મનીષા નલ્લાબેલીના નામે બનાવવામાં આવી છે. વોટ્સએપ ગ્રુપમાં પણ આવા જ મેસેજ મોકલીને લોકો પાસેથી પૈસા માંગવામાં આવી રહ્યા છે.
DGP ઉત્તર પ્રદેશને મોકલવામાં આવેલી ફરિયાદમાં VHPએ કહ્યું છે કે આ રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમને બદનામ કરવાનો પ્રયાસ છે. આ દ્વારા લોકો પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા વસૂલવામાં આવી રહ્યા છે. આ છેતરપિંડી પાછળના લોકોની વહેલી તકે ધરપકડ કરી યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસને અપીલ કરવામાં આવી છે.