ગુજરાતટોપ ન્યૂઝ

છેલ્લાં અઢી વર્ષમાં 4.16 લાખ લોકો વિદેશ ભણી, ઉચ્ચ અભ્યાસ કે સારી નોકરી માટે ગુજરાતના 4800 લોકોએ દેશ છોડ્યો

Text To Speech

વિદેશ જવાનો ક્રેઝ યંગસ્ટર્સમાં વધુ જોવા મળે છે. સારા અભ્યાસ કે સારી કારકિર્દી બનાવવા માટે લોકોને વિદેશ જવાની ઘેલછા વધુ હોય છે. ત્યારે છેલ્લાં અઢી વર્ષમાં દેશમાંથી 4.16 લાખ લોકો ખાનગી નોકરીઓ માટે દેશ છોડી વિદેશ ગયા છે. જેમાં 4800 લોકો ગુજરાતના છે. સૌથી વધારે 1.31 લાખ લોકો ઉત્તરપ્રદેશથી નોકરી માટે વિદેશ ગયા છે. બિહારમાંથી 69 હજાર લોકો ગયા છે. દેશમાં ગુજરાતનો ક્રમ 14મો છે. લોકસભામાં વિદેશમંત્રી એસ.જયશંકરે શુક્રવારે સંસદમાં આ માહિતી આપી હતી. જે ભારતીય ECR પાસપોર્ટ ધારકો ઇ-માઇગ્રેટ મારફતે વિદેશમાં કામ કરવા જાય છે તેમની માહિતી એકસટર્નલ અફેર્સ મંત્રાલય રાખે છે.

લોકસભામાં 2021માં અપાયેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાંથી છેલ્લા 5 વર્ષમાં 1.77 લાખ વિદ્યાર્થીઓ વિદેશ ભણવા ગયા છે. 2019માં 48051 વિદ્યાર્થીઓ ગયા હતા જેની સામે 2020માં 23156 વિદ્યાર્થીઓ વિદેશ ગયા હતા. 2019ની સરખામણીએ 2020માં 50%નો ઘટાડો થયો હતો. અભ્યાસ કે નોકરી માટે ભારતીયોની પહેલી પસંદ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા છે.

ભણવા માટે અમેરિકા પહેલી પસંદ
હાલમાં 13 લાખથી વધારે ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં એક લાખ, કેનેડામાં 1.83 લાખ, યુએઇમાં 1.64 લાખ જ્યારે સૌથી વધારે 4.66 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણી રહ્યા છે. સુદાન, વિએટનામ, સર્બિયા, પોર્ટુગલ, ઇન્ટોનેશિયા, ક્યુબા, બ્રાઝિલ, જાપાન, બેલારૂસ, ફિનલેન્ડ, ઇરાન, નેપાળ, શ્રીલંકા, તાઇવાન દેશોમાં પણ ભારતીય વિદ્યાર્થીઓ ભણે છે. દુનિયાના 79 દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

ભારતીય નાગરિકતા છોડવાનું પ્રમાણ વધ્યું
છેલ્લાં 3 વર્ષમાં 3.92 લાખ દેશવાસીઓએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે. તાજેતરમાં સંસદમાં અપાયેલી માહિતી મુજબ, 2019માં 1.44 લાખ, 2020માં 85 હજાર અને 2021માં 1.63 લાખ ભારતીયોએ અન્ય દેશની નાગરિકતા મેળવવા માટે ભારતીય નાગરિકતા છોડી દીધી હતી. નાગરિકતા માટે પણ ભારતીયોની પહેલી પસંદ અમેરિકા, કેનેડા, ઓસ્ટે્લિયા છે. 3 વર્ષમાં 1.60 લાખ લોકોએ તો માત્ર અમેરિકાની નાગરિકતા મેળવવા ભારતીય નાગરિકતા છોડી દીધી હતી. 63 હજાર લોકોએ કેનેડાની નાગરિતા લીધી હતી અને 57 હજાર લોકોએ ઓસ્ટ્રેલિયાની નાગરિકતા લીધી હતી.

Back to top button