ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નોકરીના બદલામાં જમીન કૌભાંડમાં લાલુ યાદવ પરિવારને પાસપોર્ટ જમા કરાવવા કોર્ટનો આદેશ

Text To Speech
  • નોકરીના બદલામાં જમીન કૌભાંડમાં આજે ફરી સુનાવણી હાથ ધરવામાં આવી
  • કોર્ટે આ કેસના મુખ્ય આરોપી લાલુ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવને તેમના પાસપોર્ટ સરેન્ડર કરવાનો આદેશ આપ્યો

નવી દિલ્હીઃ  લેન્ડ ફોર જોબ્સ કેસમાં ગુરુવારે દિલ્હીસ્થિત રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓના પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ કર્યો હતો. એટલું જ નહીં કોર્ટે કહ્યું કે વિદેશ જતા પહેલા કોર્ટની પરવાનગી લેવી પડશે. આ કેસમાં લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ આરોપી છે.

આગામી સુનાવણી 29 નવેમ્બરે થશે

કોર્ટે આ કેસની આગામી સુનાવણી 29 નવેમ્બરના રોજ નક્કી કરી છે. અગાઉ આ કેસની સુનાવણી 16 ઓક્ટોબરે થઈ હતી. ત્યારબાદ કોર્ટે લાલુને રાહત આપી અને તેમને દરેક સુનાવણીમાં હાજર રહેવાની મંજૂરી આપી હતી. આ સાથે કોર્ટે ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને સત્તાવાર પ્રવાસ પર વિદેશ જવાની મંજૂરી આપી હતી. કોર્ટે આ કેસમાં લાલુ પ્રસાદ અને રાબડી દેવીને 50 હજાર રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપ્યા છે.

તેજસ્વી યાદવનું નામ પ્રથમ વખત સામેલ

22 સપ્ટેમ્બરે સીબીઆઈની વિશેષ અદાલતે નવી ચાર્જશીટને મંજૂરી આપી હતી. આ સાથે જ કોર્ટે લાલુ અને રાબડી સહિત 17 આરોપીઓ સામે સમન્સ જારી કરીને તેમને 4 ઓક્ટોબરે હાજર થવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં કોર્ટે તેજસ્વી યાદવ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ સ્વીકારી લીધી છે. સીબીઆઈએ પહેલીવાર તેજસ્વી યાદવને પણ આ કેસમાં આરોપી બનાવ્યા છે.

શું છે નોકરીઓ માટે જમીન કૌભાંડ

CBIનો આરોપ છે કે લાલુ પ્રસાદ યાદવ રેલવે મંત્રી હતા ત્યારે આ કૌભાંડ થયું હતું. જેમાં લાલુ પરિવારના સભ્યોના નામે મિલીભગતથી નોકરી લેનારા યુવકો પાસેથી મોટા પાયે જમીન સાવ સસ્તા ભાવે ખરીદવામાં આવી હતી. સીબીઆઈને તેની તપાસમાં જાણવા મળ્યું કે આ નોકરીઓ મુંબઈ, કોલકાતા, જયપુર અને જબલપુર ડિવિઝનમાં આપવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન બિહારમાં માત્ર 26 લાખ રૂપિયામાં 1 લાખ ચોરસ ફૂટથી વધુ જમીન ખરીદવામાં આવી હતી. તે સમયના સર્કલ રેટ પ્રમાણે આ જમીનની કિંમત 4 કરોડ રૂપિયાથી વધુ હતી.

આ પણ વાંચો, ભાજપ હટાવો, દેશ બચાવોઃ મિશન 2024 માટે યોજાઈ વિરોધપક્ષોની રેલી

Back to top button