બનાસ ડેરીએ વીમા કંપની સામે કરેલ કેસમાં પશુપાલકોની થઇ જીત
- વીમા કંપની સામે કેસ જીતીને બનાસ ડેરીએ 1306 પશુપાલકોને અપાવી આર્થિક સહાય.
- વીમા કંપનીએ બનાસ ડેરીને ચૂકવ્યા વ્યાજ સહિત 5.15 કરોડ રૂપિયા.
બનાસ ડેરી સંઘ સાથે જોડાયેલા કોઇપણ પશુપાલક કે ખેડૂતનું અકસ્માતે અને કુદરતી મૃત્યુ થાય તો તેના વારસદારને આર્થિક સહાય આપવાના ઉદેશ્ય સાથે વીમા કંપનીઓ પાસે જૂથ વીમા પોલીસી કરીને સુરક્ષા સહાય પુરી પાડે છે. પરંતુ થોડા સમય પહેલા અમુક સંજોગોમાં વીમા કંપનીએ અકસ્માત તેમજ કુદરતી મૃત્યુ સહાયના કેસમાં પશુપાલકોને 1306 કેસમાં પૈસા ન ચૂકવતા પશુપાલકો વતી બનાસ ડેરી ગ્રાહક તકરાર નિવારણ કોર્ટમાં ગઈ હતી. નામદાર કોર્ટે બનાસ ડેરીનાં પક્ષમાં ચુકાદો આપીને જે તે વીમા કંપનીઓને વ્યાજ સહીત મૂડીની ચુકવણી કરવાનો આદેશ કર્યો છે.
વર્ષ ૨૦૧૭-૧૮ માં બનાસ ડેરી અને જિલ્લાની દૂધ મંડળી દ્વારા એસ.બી.આઈ.લાઈફ ઇન્સ્યોરન્સ અને અન્ય વીમા કંપની મારફત જુથ વીમો લેવામાં આવેલ હતો, જે પૈકી એસ.બી.આઈ. ઇન્સ્યોરન્સ કંપની તરફથી પ્રતિ લાભાર્થી મળવાપાત્ર રૂ.૩૦,૦૦૦ જેટલી રકમ બનાસ ડેરીએ લાભાર્થીઓને જે તે સમયે ચૂકવી દીધી હતી, પરંતુ અમુક વીમા કંપનીએ રકમ ચૂકવી ન હતી. જેથી બનાસ ડેરીએ જૂથ વીમા પોલીસી પ્રમાણે મળવાપાત્ર રકમ પશુપાલકોને ચુકવવાના હેતુ સાથે નામદાર કોર્ટમાં કંપની સામે કેસ કર્યો હતો.
નામદાર કોર્ટે હવે બનાસ ડેરીનાં પક્ષમાં ચુકાદો આપીને પશુપાલકોને ન્યાય આપ્યો છે. પશુપાલકોને હકની રકમ અપાવવા માટે પશુપાલકોના વિશાળ હિતમાં બનાસ ડેરી દ્વારા વીમા કંપની સામે નામદાર કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો, જેમાં નામદાર કોર્ટે બનાસ ડેરીની તરફેણમાં ચુકાદો આપતા પશુપાલકોને વ્યાજ સહીત ચૂકવવાપાત્ર રકમ બનાસ ડેરીએ પશુપાલકોના ખાતામાં જમા કરાવી દીધી છે.
વીમા કંપની સામે બનાસ ડેરીની જીત
બનાસ ડેરીએ કરેલ વીમા કંપની સામેના કુલ ૧૩૦૬ કેસમાં કુલ મળીને કેસ જીતતા ૫,૧૫,૧૨,૫૮૬/- રૂપિયા વીમા કંપનીએ બનાસ ડેરી ને ચૂકવેલ છે. આમાંથી ૯૭૦ પશુપાલકોને ૨,૯૧,૦૦,૦૦૦/- રૂપિયા બનાસ ડેરીએ વર્ષ ૨૦૧૯ માં ચૂકવી આપેલ હતા. પરંતુ વીમા કંપની દ્વારા બાકીના પશુપાલકોની થતી વધારાની વીમા પોલીસી અંતર્ગત રકમ આવતા પશુપાલકોને ચૂકવી આપવામાં આવી છે. જો પશુપાલકોના પક્ષમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોત તો પશુપાલકોને વીમા કંપની તરફથી મળવાપાત્ર રકમ ખોવાનો વારો આવ્યો હોત, પરંતુ બનાસ ડેરીએ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને પશુપાલકોનાં સાથ સહકાર સાથે કોર્ટમાં કેસ કરીને મોટી જીત પ્રાપ્ત કરી છે. બનાસ ડેરીએ કોર્ટની અંદર કેસ જીતીને પશુપાલકોને આર્થિક સહાય અપાવવાનું કાર્ય કર્યું છે.
આ પણ વાંચો: અંબાજી : ભાદરવી પૂનમના મેળા દરમિયાન તંત્રની સફળ કામગીરી