ગુજરાત

તાપીના અંતરિયાળ ગામોમાં ભરઉનાળે પાણીની તંગીથી જનતા બેહાલ

Text To Speech

તાપી જિલ્લાના છેવાડાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી માટે લોકોને ભરઉનાળે ભારે વલખાં મારવાનો વારો આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પાંચ જિલ્લામાં પાણી પૂરું પાડતો સૌથી મોટો ઉકાઇ ડેમ તાપી જિલ્લામાં આવ્યો હોવા છતાં ડેમ બન્યાના 50 વર્ષ બાદ પણ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વસતા આદિવાસી લોકોને પીવાના પાણી સહિત સિંચાઈના પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.રાજ્યભરમાં સરકાર દ્વારા પાણીને લઈને લાખો કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવતું હોય છે. અને સરકાર દ્વારા પણ નળ સે જળ યોજના અંતર્ગત લોકોને ઘરે ઘરે નળ મારફતે પાણી પહોંચાડવાનો દાવો કરાય રહ્યો છે જોકે તાપી જિલ્લામાં સરકારનો આ દાવો જાણે પોકળ સાબિત થયો છે.

તાપી જિલ્લામાં સોનગઢના વડપાડા પ્ર. ઉમરદા ગામમાં ઉત્તમ ઉદાહરણ નજરે પડી રહ્યું છે. વડપાડા ગામમાં 7 વર્ષ પહેલાં લાખોના ખર્ચે બનાવેલ બે- બે ટાંકીઓ પાણી વિના શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. નળ સે જળ યોજના અંતર્ગત ઘરે ઘરે નળ જોડાણ અપાયું. પરંતુ પાણીનાં અભાવે ઘરે ઘરે નળ કનેકશનમાં પાણી ન પહોંચતાં ગ્રામજનોને પાણી માટે પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે. જેને પગલે લોકોને ગામના એક બે હેડપંપ પરથી દૂર સુધી પાણી લેવા જવાની નોબત ઉભી થવા પામી છે.

સોનગઢના આ વડપાડા ગામમાં પાણી પુરવઠા યોજના અંતર્ગત કોઈ જૂથ પાણી પુરવઠા યોજના પણ અમલી ન બનતા વાસ્મો દ્વારા સરકારની નલ સે જળ યોજના અંતર્ગત નળ જોડાણની કામગીરીમાં પણ વેઠ જ ઉતારવામાં આવી છે. ગામમાં 25 ટકા નળ કનેકશન તો નળમાં પાણી આવતાં પહેલાં જ તુટી ગયા હોય નળ કનેકશનની કામગીરી કરતી એજન્સી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. વડપાડા ગામનું કોંકણી ફળિયામાં રહેતા લોકો તો બાજુના ગામ બેડવાણમાં પાણી લેવા જવા મજબૂર બન્યા છે. લોકોને વર્ષોથી પડતી પાણીની અછતને નિવારવા તંત્ર દ્વારા પણ દર વર્ષે લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવતો હોય છે. પરંતુ આજ દિન સુધી લોકોને પીવાના પાણી માટે ભારે સંઘર્ષ કરવો પડતાં લોકોમાં તંત્ર પ્રત્યે ઉગ્ર રોષ છે. સોનગઢના વડપાડા ગામમાં પાણી મુદ્દે લોકો વાસ્મોની તકલાદી કામગીરીને લઈને છેક ગાંધીનગર સુધી ફરિયાદ કરી ચુક્યા છે. વારંવાર તંત્રને રજુઆત કરવા છતા કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનોમાં તંત્ર માટે રોષની લાગણી છે.

Back to top button