બનાસકાંઠા : લોકશાહીના મહાપર્વમાં જિલ્લાના વેપારીઓ મતદાન કરેલ મતદારને 7 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપશે
પાલનપુર 23 એપ્રિલ 2024 : લોકસભા સામાન્ય ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી શકે એ માટે ચૂંટણી પંચ, જિલ્લા વહીવટીતંત્ર અને સ્વિપ દ્વારા મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી વરુણ કુમાર બરનવાલની અધ્યક્ષતામાં જિલ્લાના વિવિધ વેપારી એસોસિએશનની મિટિંગ યોજાઈ હતી.જેમાં જિલ્લામાંથી મુખ્ય વેપારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આજની આ મિટિંગમાં ઉપસ્થિત જિલ્લાના મુખ્ય વેપારીઓ સાથે ચૂંટણી અધિકારી વરુણ કુમાર બરનવાલે લોકશાહીના આ મહાપર્વ માં જોડાવવા અપીલ કરી હતી. જે અંતર્ગત આજે વેપારીઓએ મિટિંગમાં વધુમાં વધુ મતદાન થાય એ માટેની તમામ કામગીરીમાં સહભાગી બનવાની ખાતરી આપી હતી.જેમાં વેપારીઓએ મતદાનના દિવસે મત કરી આવતા તમામ મતદારો માટે તેમના વેપાર ધંધા માં 7 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી હતી .જે બદલ જિલ્લા ચૂંટણી અધિકારીએ વેપારીઓની આ પહેલને આવકારી તેમનો આભાર માન્યો હતો. આ મિટિંગમાં સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી. એમ.પટેલ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાંથી ટી.એચ પટેલ તથા બનાસકાંઠા જિલ્લાના વિવિધ વેપારી એસોસિએશનના પ્રમુખ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મતદાન કરી, ડિસ્કાઉન્ટ મેળવો
મીઠાઈ ફરસાણના વેપારી એસોસિએશન પાલનપુરના પ્રમુખ હિતેશ પટેલે જણાવ્યું હતું કે, આપણા જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય એ માટે મતદાનની તારીખ 7 મી મે થી 10 મે સુધી વેપારીઓ જે પણ વ્યક્તિ મતદાન કર્યાનું ચિહ્ન બતાવશે એને ખરીદીમાં સાત ટકા ડિસ્કાઉન્ટ આપશે. જિલ્લાના નાગરિકો આ ઓફરનો લાભ મેળવે અને મતદાન કરે તેવા પ્રયાસો કરીશું. અમારા વર્કિંગ સ્ટાફ અને કારીગરો પણ મતદાન કરી શકે એવી વ્યવસ્થા ગોઠવાશે. અમે સૌ નાગરિકોને અપીલ કરીએ છીએ કે વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને.
આ પણ વાંચો : ફ્રીમાં ટોલ પ્લાઝા કરો પાર! આ નિયમ અનુસાર એક પણ રૂપિયો ચૂકવવો પડશે નહીં