પ્રથમ તબક્કામાં આ કદાવર નેતાઓના રાજકીય ભાવિ દાંવ પર, કઈ કઈ બેઠક છે ખાસ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આવતીકાલે એટલે કે 1 ડિસેમ્બરનાં રોજ થશે. 89 બેઠક પર 788 ઉમેદવાર મેદાનમાં છે. આ 89 બેઠકોમાં સૌરાષ્ટ્રની 48, કચ્છની 6 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠકોમાં કેટલીક ખાસ એટલે કે VIP બેઠકો પણ છે જેમાં વર્તમાન સરકારના મંત્રીઓ અને કદાવર નેતાઓનો સમાવેશ થાય છે. આ ખાસ ગણાતી બેઠકમાં ભાવનગર પશ્ચિમ, જામનગર, ગોંડલ, રાજકોટ પૂર્વ, મોરબી, ખંભાળિયા, પોરબંદર, કુતિયાણા, વરાછા, કતારગામ સામેલ છે.
સૌપ્રથમ જોઈએ સૌરાષ્ટ્રની ખાસ ગણાતી બેઠક અંગે
1) ભાવનગર પશ્ચિમઃ ભાવનગર જિલ્લાની આ સીટ પરથી ગુજરાત સરકારના વર્તમાન શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ચૂંટણી લડી રહ્યા છે. જીતુ વાઘાણી વર્ષ 2012થી સતત અહીંથી જીતતા આવે છે. જો કે આ વખતે આમ આદમી પાર્ટીનો પણ પડકાર છે. આમ આદમી પાર્ટીએ જીતુ વાઘાણીને ઘેરવા માટે અહીંથી સામાજિક કાર્યકર રાજુ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. રાજુ સોલંકી આમ આદમી પાર્ટીના નવા પોસ્ટર બોય પણ છે. શિક્ષણ અને આરોગ્યને મુદ્દો બનાવનાર આમ આદમી પાર્ટી જીતુ વાઘાણીને હરાવી શકશે? કે પછી વાઘાણી ફરી વિધાનસભામાં પહોંચશે. દરેકની નજર આ બેઠક પર ટકેલી છે. ગત વખતે જીતુ વાઘાણી 27,185 મતોથી જીત્યા હતા. આ વખતે અહીં લડાઈ ત્રિકોણીય છે. કોંગ્રેસે કિશોરસિંહ ગોહિલને મેદાનમાં ઉતાર્યા છે.
2) જામનગર ઉત્તરઃ જામનગર ઉત્તર બેઠક પર અત્યાર સુધી ભાજપનો જ પરચમ લહેરાયો છે. ધર્મેન્દ્રસિંહ જાડેજા અહીંથી ધારાસભ્ય હતા, પરંતુ આ વખતે પાર્ટીએ તેમને ટિકિટ ન આપતા ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રિવાબા જાડેજાને તક આપી છે. રિવાબા 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. અહીં રિવાબા કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજા સામે ચૂંટણી લડી રહ્યા છે. આ સીટ હાઈપ્રોફાઈલ હરીફાઈ કરતા વધુ પારિવારિક મતભેદો માટે ચર્ચામાં છે. રિવાબાની સામે તેમના નણંદ નયનાબા જાડેજા કોંગ્રેસ તરફથી પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે હવે તેમના સસરા અને રવિન્દ્ર જાડેજાના પિતાએ પણ પુત્રવધૂનો વિરોધ કર્યો છે. આવી સ્થિતિમાં આ બેઠક મહત્વની બની ગઈ છે. આ બેઠક ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી બેઠક છે.
3) ગોંડલઃ રાજકોટ જિલ્લાની ગોંડલ બેઠક બે ક્ષત્રિય પરિવારોની વર્ચસ્વની લડાઈને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. આ બેઠક પરથી ભાજપે ફરી એકવાર વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પત્ની છે તો બીજી તરફ પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજાને ટિકિટ ન મળતા નારાજ છે અને તેઓએ કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. હવે આવી સ્થિતિમાં આ બેઠક પરથી કોણ જીતશે તેના પર દરેકની નજર રહેશે.
4) રાજકોટ પૂર્વઃ AAPમાંથી કોંગ્રેસમાં પરત ફર્યા બાદ ધનકુબેર ઈન્દ્રનીલ ફરી આ બેઠક પરથી પોતાનું રાજકીય ભાવી ઘડી રહ્યાં છે. ગત વખતે આ સીટ પર ભાજપે બાજી મારી લીધી હતી અને અહીં અરવિંદ રૈયાણી જીત્યા હતા, જ્યારે 2012માં આ સીટ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ જીતી હતી. આ વખતે ભાજપે ઉદય કાનગડને અને AAPએ રાહુલ ભુવાને અહીંથી મેદાનમાં ઉતાર્યા છે. આવી સ્થિતિમાં આ સીટ ખૂબ જ ચર્ચામાં છે.
5) મોરબીઃ ચૂંટણી પહેલા ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાને કારણે મોરબી ચર્ચામાં છે. આ દુર્ઘટનાને લઈને ભાજપને નુકસાન થશે તેવી ચર્ચાએ રાજકીય સ્તરે જોવા મળી રહી છે. ત્યારે આ ચર્ચાને કારણે જ મોરબી વિધાનસભા બેઠક પર સૌ કોઈની નજર છે. ભાજપે પોતાના વર્તમાન ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશ મેરજાની ટિકિટ કાપીને પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને મેદાનમાં ઉતાર્યા છે. 2017ની ચૂંટણીમાં બ્રિજેશ મેરજાએ કોંગ્રેસની ટિકિટ પર જીત મેળવી હતી, પરંતુ બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. આ પછી 2020માં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડીને મેરજા જીત્યા હતા, હવે તેઓ મેદાનમાં નથી. આવી સ્થિતિમાં ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા શું ભાજપ માટે બેઠક બચાવી શકશે? તેના પર દરેકની નજર છે.
6) ખંભાળિયાઃ આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રી પદનો ચહેરો ઈસુદાન ગઢવી આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જેના કારણે આ બેઠક ખૂબ જ ચર્ચામાં છે. OBC વર્ગમાંથી આવતા ઇસુદાન ગઢવી રાજકારણમાં જોડાતા પહેલા પત્રકાર હતા. આ બેઠક પર છેલ્લાં કેટલાંક દાયકાઓથી આહિર સમાજના જ ઉમેદવારની જીત થાય છે. આવા સંજોગોમાં શું ઇસુદાન ગઢવી જાતિ બંધનને તોડીને જીતી શકશે? કે પછી તેમણે પ્રથમ વખત જ વિપરીત પરિણામ ભોગવવું પડશે? દરેકની નજર આ સીટ પર ટકેલી છે. દ્વારકા જિલ્લામાં આવતી આ બેઠક પર ભાજપે પોતાના ઉમેદવાર તરીકે મુળુભાઈ બેરાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય વિક્રમ માડમને રિપીટ કર્યા છે.
7) પોરબંદરઃ ગુજરાતના બે મોટા નેતાઓ વચ્ચે વર્ષોથી રાજકીય લડાઈ જોવા મળે છે. તેમાં બંને પક્ષ એકબીજા પર ભારે પડે છે. વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના બાબુભાઈ બોખીરિયાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાને હરાવ્યા હતા. મોઢવાડિયાનો સતત બીજી વખત પરાજય થયો હતો. આ વખતે ફરી બંને નેતાઓ ચૂંટણી જંગમાં આમને-સામને છે. જો કે 2017ની ચૂંટણીમાં બાબુભાઈ માત્ર 1,855 મતોથી જીત્યા હતા. નજીવા માર્જીનથી જ અર્જુન મોઢવાડિયાની હાર થઈ હતી, ત્યારે આ વખતે કોંગ્રેસના આ દિગ્ગજ નેતા પરિણામ બદલી શકશે કે કેમ તેના પર સૌની નજર છે.
8) કુતિયાણાઃ પોરબંદરની કુતિયાણા બેઠક પરથી કાંધલ જાડેજા સતત બે ટર્મથી જીતતા આવ્યા છે. કાંધલ જાડેજા ગુજરાતના ગોડમધર તરીકે જાણીતા સંતોકબેન જાડેજાના પુત્ર છે. બે વાર તેઓ NCPની ટિકિટ પર જીત્યા હતા, પરંતુ આ વખતે તેઓ સમાજવાદી પાર્ટીની સાયકલ પર સવાર છે. કાંધલ જાડેજાનો આ વિસ્તારમાં સારો દબદબો છે. જોકે તેમની સામે અનેક ગુનાહિત કેસ પણ નોંધાયેલા છે. ભાજપે અહીંથી ઢેલીબેનને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપને આશા છે કે મહિલા ઉમેદવાર હોવાનો તેને લાભ મળશે અને અહીં કમળ ખીલશે.
હવે દક્ષિણ ગુજરાતની ખાસ બેઠકની વાત કરીએ તો…
9) વરાછા રોડઃ પાટીદારોનો ગઢ ગણાતી આ બેઠક એટલા માટે ચર્ચામાં છે કારણ કે AAPએ પાટીદાર આંદોલનના અગ્રણી ચહેરા અલ્પેશ કથીરિયાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે પૂર્વ મંત્રી અને ભાજપના વર્તમાન ધારાસભ્ય કિશોર કાનાણી મેદાનમાં છે. બંને વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે. અલ્પેશ કથીરિયા સૌરાષ્ટ્રના છે. ઓક્ટોબર 2022માં આમ આદમી પાર્ટીમાં જોડાનાર અલ્પેશ કથીરિયા પાટીદાર આંદોલનમાં હાર્દિક બાદ નંબર-2 હતા.
10) કતારગામઃ ભૂતકાળમાં ક્લાર્ક તરીકે કામ કરી ચૂકેલા ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે. તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. પાટીદાર મતદારોની સારી સંખ્યા ધરાવતી આ બેઠક પર તેમનો મુકાબલો વિનુ મોરડિયા સામે છે. ભાજપના નેતા વિનુ મોરડિયાનો અહીં સારો દબદબો છે. આ બેઠક વિનુ મોરડિયા અને ગોપાલ ઈટાલિયા વચ્ચે સામ-સામેની હરીફાઈના કારણે ચર્ચામાં છે. કોંગ્રેસે આ બેઠક પરથી કલ્પેશ વારિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ત્રણેય પક્ષોએ અહીં પ્રચારમાં પૂરી તકાત લગાવી દીધી હતી.
11) વાસંદાઃ નવસારી જિલ્લામાં આવતી આ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. વલસાડ લોકસભા ક્ષેત્રમાં આવતી આ બેઠક પર હાલ કોંગ્રેસનો દબદબો છે. કોંગ્રેસના યુવા નેતા અનંત પટેલ અહીંથી જીત્યા હતા. ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાજપે રાહુલ ગાંધીના નજીકના ગણાતા અનંત પટેલને હરાવવા પીયૂષ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. મામલતદારની નોકરી છોડીને પીયૂષ પટેલ ચૂંટણી લડી રહ્યાં છે. તો આમ આદમી પાર્ટીએ આ બેઠક પરથી પંકજ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ચૂંટણીની જાહેરાત પહેલા રાહુલ ગાંધી જે રેલી કરી હતી તેમાં મહુવામાં અનંત પટેલ માટે રેલી કરી હતી. રાહુલ ગાંધીના પ્રચાર બાદ આ બેઠક મહત્વની માનવામાં આવે છે.